વિષય:"પિતાનો છાયો...પડછાયો"
શિર્ષક: "છાયો"
પ્રકાર: અછાંદસ કાવ્ય
પિતાનો છાયો...
કોઈ વિશાળ વડલો નહીં,
પણ માથે ધગધગતા ઉનાળામાં
શબ્દોની શીતળતા આપે.
એક દીવાલ, જે તૂટે નહીં,
ભલે સામે આવે કોઈ પણ વાવાઝોડું,
એના કઠોર મૌનમાં પણ
સલામતીનો સૂર વાગે.
ને પિતાનો પડછાયો...
અંધારામાં ખોવાઈ જતો નથી,
એ તો સૂર્યની સામે ઊભા રહેવાની
હિંમતનું માપ છે.
ક્યારેક લાંબો, ક્યારેક ટૂંકો,
પણ હંમેશાં મારી પાછળ રહે છે.
જાણે અદ્રશ્ય દોર,
જે મને સીધો ચાલવાનું શીખવે.
એની વૃદ્ધ થતી આંગળીઓ,
એના ઘસાઈ ગયેલા પગરખાં...
આજે મારા પડછાયામાં
એ છાયાનું પ્રતિબિંબ જોઉં છું.
મારા જ પગલાં એના પગલાં જેવા લાગે છે,
પણ એ રસ્તો...એણે પહેલો કંડાર્યો હતો.
આ પડછાયો, એનો નહીં, મારું અસ્તિત્વ છે.
એના છાયાની સ્મૃતિમાં સદા "સ્વયમ’ભુ’"જીવતો છું.
અશ્વિન રાઠોડ "સ્વયમ’ભુ’"