દિકરી
બીજી દિકરી બે વર્ષની થવા આવી.. વિજુને ફરી સારા દિવસો હતા..
નરોતમ શેઠ મનમાં ઘોડા ઘડ્યે રાખતા.. અંતે દિકરા વસંતને કહી દીધું.. "શહેરમાં ડોક્ટરને મળીને બતાવવાનું નક્કી કરી આવ.."
વસંત જઈ આવ્યો..
"તપાસના ત્રણ હજાર.. ને જરુર પડે તો.. બીજા સાત હજાર.. દરદી સાથે એક સ્ત્રી જ આવે.. કાયદાથી બીવું પડે.."
બીજે દિવસે જ સાસુ-વહુને બસમાં મોકલ્યા..
બસના પગથીયાં ઉતરતાં વિજુ હાંફવા લાગી.. જમનાએ હાથ જાલી દુરના બાંકડે બેસાડી..
જરા વારે વિજુએ કહ્યું "બા.. મને બહુ બીક લાગે છે.. દિકરી હશે તો..? "
નિસાસો નાખી જમના બોલી.. "પુરુષ બધા સરખા.. નામ રાખવા દિકરો જોઈએ.. પછી ભલે ઉઠેલ પાકે.. હું ય કોકની દિકરી.. તુંય કોકની દિકરી.. એવી જ આપણી દિકરી.. મારી થોડી નખાય.. આપણે દવાખાને જવું નથી.. હું ખોટું બોલીશ.."
અવાજમાં મક્કમતા હતી.. "ત્રણ હજાર કયાંક સંઘરી રાખશું.. કોકદી કામ લાગશે.."
બેઉ ઘરે પાછી વળી.. શેઠ રાહ જોઈને જ બેઠા હતા..
કાંઈ બોલ્યા વગર.. જમનાએ પેંડાનું પડીકું તેની સામે ધર્યું..
દિકરો જ છે.. એમ સમજી હરખાતા હરખાતા પેંડો ખાઈ તે દુકાને ગયા..
જેવો તેણે ડેલી બહાર પગ મુક્યો કે.. બન્ને જણી ખડખડાટ હસી પડી.. વિજુએ સાસુને બાથમાં જકડી લીધી..
"અલી .. છોડ.. હું તારી સાસુ છું.. બહેનપણી નથી.. ડેલી ઉઘાડી છે.. કોઈ જોઈ જશે.. તો બેયને ઘેલી ગણશે..."
-જયંતીલાલ ચૌહાણ ૪-૧૦-૧૯
- Umakant