આજે ધરતી થરથર ધ્રૂજે, હવે તો હરિ અવતરો.
એને કૈં બીજું કશું ના સૂઝે, હવે તો હરિ અવતરો.
પાપાચારની પરાકાષ્ઠા માનવતા ભૂલાવતી રાઘવ,
નગરી અવધ આજે ઝંખે , હવે તો હરિ અવતરો.
દંડાય છે દેવસમાને , અત્યાચારી એશોઆરામે,
ખુદ સત્યને પણ ઉર ડંખે, હવે તો હરિ અવતરો.
ધરી રામરૂપને ધનુષબાણને કરગ્રહી પધારો તમે,
નથી નારી સલામત આજે, હવે તો હરિ અવતરો.
કૈં શાપિત અહલ્યા પસ્તાવે પ્રભુને પ્રાર્થનારી છે,
ચરણરજ તમારી એ માગે, હવે તો હરિ અવતરો.
ઘેરઘેર ઠેરઠેર દશાનનો સાધુવેશે ફરી છેતરનારા,
દ્દૃષ્ટોને હરિવર ક્યારે હણે, હવે તો હરિ અવતરો.
અન્યાયનો અતિરેક આજે અવનીને અકળાવતો,
આગમનની વાટ સૌ જુએ, હવે તો હરિ અવતરો.
અધર્મના આચરણે નથી રહ્યો માનવ આચારમાં,
ક્યારે ધર્મસંસ્થાપન કરી રક્ષે, હવે તો હરિ અવતરો.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.