લગ્ન થયા ને એક અઠવાડિયું વીતી ગયું. ધીરે ધીરે ઘરમાંથી મહેમાનો પણ ગયા. હજી સુધી લગ્નજીવન શરૂઆત ન થઈ હતી. કેમ તો કે ગામડાનું ઘર, સળંગ. આમ તો મોટું પણ એક પછી એક રુમ આવતા જાય. એટલે પતિનો સંગ શું હોય ખબર જ ન પડી. ઉપર પણ રુમ ખરા પણ ત્યાં લાઈટ પંખાની વ્યવસ્થા જ નહીં. મને ખબર જ પડી કે લગ્ન થવાના હતા, તો ઉપર રુમ કેમ શરૂ ન કરાવ્યો ? પહેલા દિવસે પતિને પૂછ્યું તો જવાબ મળ્યો કે મમ્મીએ ના પાડી કે ઉપરનો રુમ સરખો કરવાની કંઈ જરૂર નથી. મહેમાનો જાય પછી અંદરના રુમમાં તમે સૂઈ જજો. અને આ વાત મારા પતિએ માની પણ લીધી. મને તો પૂછ્યું પણ નહીં. હવે મહેમાનો તો ગયા. પણ અંદરના રુમમાં પણ કેવી રીતે રહેવાય ઘરમાં સાસુ, સસરા, નણંદ બધા જ હોય ને કોણ ક્યારે વાડામાં જવા ખબર જ ના હોય. એક અઠવાડિયું થઈ ગયું પણ મારાથી હજી એમને ન કહેવાયું કે તમે ઉપરનો રુમ ચાલુ કરાવો. હું જ્યારે લગ્ન પહેલાં આવી હતી ત્યારે મને કહેવામાં આવ્યું હતું કે ઉપર નો રુમ તમારા માટે ચાલુ કરાવી દઈશું. પણ ન થયો કારણ કે કોઈએ લગ્નમાં ભેટ રૂપે અમને પંખો ન આપ્યો કે ન મારા પપ્પાએ એ રુમ ચાલુ કરાવી આપ્યો. આ લોકો આવું કેવી રીતે કરી શકે મને ખબર જ પડી. જે છોકરીને તમે પોતાના ઘરમાં લાવો છો વહુ બનાવીને એને પોતાની મરજી નથી હોતી ? એના કોઈ સપના નથી હોતા ? કેમ કોઈએ મારા વિશે ના વિચાર્યું. શું છોકરી પરણીને જાય એટલે પોતાની મરજી પ્રમાણે એનાથી ના જીવાય ? મારાથી મારા સાસરામાં ન બોલાયું એક રુમ માટે અને આવી તો આખી જીંદગી નીકળી ગઈ મારી. હવે તો મેં વનમાં પ્રવેશ કરી લીધો. પણ આજની તારીખે પણ મારા સાસુ નણંદ કે મારા પતિ કહે એ જ મારે કરવાનું. મારું પિયર પણ આ લોકોએ છોડાવી દીધું પણ હું કંઈ ન કરી શકી. આપણે દિકરીને કહીએ છીએ સાસરું જ તારું કહેવાય એટલે. આ છે આપણો કહેવાતો સુધરેલો સમાજ.