ઘરની શોભા સ્ત્રી વડે
(છપ્પા)
ઉંબર આગળ ખાડ, કૂતરે ખોદ્યો ભારી
ઠોકરથી પટકાય, ધસે કોઈ ઊંચું ન્યાળી
જાળા કેરું જૂથ, પવનથી વળગે આવી
જાણે ઝાઝું હેત, પુષ્પથી લેય વધાવી
વળી જઈને ઘર અંદર જુઓ, બેઠા ઠામ જ નહિ જડે
ભગવાન ભણે કહેણી ખરી, ઘરની શોભા સ્ત્રી વડે
નહિ ભોંય લીપેલ, છાણનો હોય ડકાળો
સાવરણીએ છેહ, વેર વર્ષોનું ભાળો
ઢગલીઓમાં ધાન્ય, ખૂણોમાં નાખ્યું દિસે
ચેંણ, ઊંદર ને કોળ, હડીઓ કરતાં હિંસે
વળી ભીંત ખીંટીઓ ખોળતાં જાળ કરોળ તણી અડે
ભગવાન ભણે કહેણી ખરી, ઘરની શોભા સ્ત્રી વડે
જળપાત્રો પર કાટ, આંખ જોતાં તે લાજે
વાવ કૂવામાં કાળ, પાણીના ઘંટા વાજે
રહ્યું ડહોળું કંઈ નીર, જંતુ જોઈ ખંત જ જાગે
અણગાળ્યું અપવિત્ર, જોઈ હોઠ આઘા ભાગે
વળી ખાલી વાસણ ખૂબ ત્યાં ખૂણે ખૂણે ખડખડે
ભગવાન ભણે કહેણી ખરી, ઘરની શોભા સ્ત્રી વડે
નહિ પવિત્રઈનો પાર, રસોડું રંગીન મેશે
પડી તપેલે ભાત, લોઢીએ લાંછન દિસે
નહિ રાંધ્યાના ઢંગ, દાળ ને પાણી જૂદાં
કાંઈ કાચું કંઈ દગ્ધ, છએ રસ સાથે છૂંદ્યા
વળી છાણ, અડાયાં, રોટલાં, પગપાની નીચે પડે
ભગવાન ભણે કહેણી ખરી, ઘરની શોભા સ્ત્રી વડે
દાદર આગળ ઢગ, ધૂળ કચરાનો જોતાં
મેડી મ્હાલ્યા જોગ, ભોગ લાગે જઈ સૂતાં
ભોંય અડતા પાગ, લાગ જોઈ ચાંચડ ચોંટે
તળાઈ ઉપર તાંત તાણતાં મચ્છર મ્હોટે
વળી માંકડ મૂછો મરડતાં. જોગ ફરી આ નવ જડે
ભગવાન ભણે કહેણી ખરી, ઘરની શોભા સ્ત્રી વડે
(કાવ્ય વિલાસ, આવૃત્તિ બીજી, ઈ.સ. ૧૯૩૧, પૃષ્ઠ ૨૩૦)
🙏🏻
- Umakant