શરણાગતને સ્વીકારો હનુમંતવીરા,
રામભક્તિમાં વાળો રે હનુમંતવીરા.
છું સંસારી મોહમાયામાં લપેટાયો,
હરિભજનથી દૂર છું હું અટવાયો.
રતિ રામચરણમાં આપો રે હનુમંતવીરા..1
અંજનીનંદન છો ઉપકારી દયા કરોને,
ભક્તિભાથું રામતણું અંતરે ભરોને.
ફેરા ચોરાસીના કષ્ટ હરોને હનુમંતવીરા...2
પાપીને ભયગ્રસ્ત છું વિષયનો અનુરાગી,
શબ્દે શબ્દે રહ્યો પ્રાર્થી રામભક્તિ માગી.
આશ્રય કીધો તમારો ખરોને હનુમંતવીરા...3
જન્મોજન્મની ઝંખના મારી રામદર્શન કાજે,
વાંક અગણિત કબૂલી આવ્યો શરણે આજે.
રામનામની લગની ભરોને હનુમંતવીરા....4
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.