આજના પારિવારિક જીવનના અંગત સંબંધોની દુનિયામાં પણ હવે આ વિધાન લાગુ પડે છે. એક ઘર કે પરિવારમાં કેટલા લોકો સાથે રહી શકે છે? દરેક બે વ્યક્તિના સંબંધોમાં પણ અનેક ખાડા-ટેકરા અર્થાત મતભેદ અને મનભેદ હોય જ છે, માત્ર એ અહંકારના સ્તર સુધી પહોંચતા નથી ત્યાં સુધી દેખાતા નથી અથવા ચાલ્યા કરે છે. પતિ-પત્ની હોય કે સાસુ-વહુ હોય, નણંદ-ભાભી હોય કે બે સહેલી હોય, બે મિત્ર હોય કે બે પાડોશી હોય, કાયમી સંવાદિતા રહેવી કઠિન છે, કયાંક તો ઘર્ષણ આકાર પામે જ છે. બે વ્યક્તિ કાયમ કે સતત સાથે અથવા નજીક રહેતાં જ વિવાદ-મતભેદ નિશ્ચિત બની જાય છે. સવાલ માત્ર સમય અને સંજોગનો જ ઊભો રહે છે. કોવિડના સમય દરમ્યાન મોટા ભાગનાં અનેક પતિ-પત્ની રોજ ચોવીસેચોવીસ કલાક સાથે રહ્યાં એમાં તો ઘણાના વિવાદ એવા બહાર આવ્યા કે ઘણાના વિવાહ તૂટી ગયા. કયારે કોઈ લપસણી ભૂમિ આવી અથવા અહંકારની કે ઈર્ષ્યાની પળ આવી અને માનવીનું લપસવાનું મોટે ભાગે બને જ છે. અલબત્ત, અપવાદ બધે હોય છે.
હકીકતમાં સ્ત્રી હોય કે પુરુષ, બાળક હોય કે વડીલ, દરેકને હવે પોતાની સ્પેસ જોઈએ છે. આ સ્પેસ શબ્દની વ્યાખ્યામાં માત્ર જગ્યા નહીં, બલકે આજના સમયમાં ઘણી બાબતો આવી જાય છે. હવે તો લવ મૅરેજ કરતાં લવ મૅરેજ કરેલા કપલના ડિવૉર્સનું પ્રમાણ પણ વધતું જાય છે. હસમુખભાઈ તો પૃથ્વીનું કહીને ગયા, પરંતુ અહીં સમસ્યા ચાર દીવાલો વચ્ચે સાથે રહેવાની છે.
ઘણી વાર નાની વાત પણ મોટું સ્વરૂપ ધારણ કરીને ઘર-પરિવારને વેરવિખેર કરી નાખતી હોય છે. આવા સંજોગોમાં આ બે વ્યક્તિ વિવાદને બદલે સંવાદનો માર્ગ અપનાવી લે તો સંબંધોનું મકાન તૂટતા અટકી શકે, પણ પહેલ કોણ કરે? આનો જવાબ દરેક વ્યક્તિ પોતાના સંબંધોમાં આવું કંઈક બને ત્યારે પોતે જ નક્કી કરે. જીવનમાં ઘણી વાર જીતવા માટે હારવું પડે છે. ઇનશૉર્ટ, ઉદ્દેશ ઉમદા અને સારો હોય તો ઝૂકના જરૂરી હૈ.