વિષયથી વિષ્ણુ તરફની હરિવર ગતિ મારી.
જગથી જગદીશ તરફની હરિવર રતિ મારી.
ના રહેતું સતત વધતી આશાઓનું વિષચક્ર,
સંપદાથી સંતોષ તરફની હરિવર પ્રગતિ મારી.
દુનિયામાં થતાં રહે દેવનાં દર્શન મુજ ચક્ષુને,
વૈખરીથી પરા તરફની હરિવર મતિ મારી.
મળી જાય સંગાથ સજ્જનો તણો સફરમાં,
સત્યથી સ્વીકાર તરફની હરિવર શક્તિ મારી.
ના હોય નારાજગી માનવજિંદગીથી મારેય
પૂજાથી પરમાર્થ તરફની હરિવર ભક્તિ મારી.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.