પ્રજાપાલક મહારાજ
૧૯૫૪-૧૯૫૫ના સમયની આ વાત છે.ભારત આઝાદ થયું અને રજવાડાનું વિલિનીકરણ થયું એ વાતને સાતેક વર્ષના વહાણા વાઇ ગયાં છે.ભારતસંઘમાં જોડાવવા માટે સૌપ્રથમ સરદાર પટેલને હાથે માતૃભુમિને સોંપી દેનાર ગોહિલવાડ-ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી હવે મદ્રાસ સ્ટેટના ગવર્નર ( રાજ્યપાલ ) હતાં.
જ્યારે ભાવનગર રજવાડું હતું ત્યારે આખા ભારતમાંથી કદાચ એકમાત્ર ભાવનગરમાં એવો કાયદો હતો કે ગોહિલવાડ કોઇપણ પ્રજાના ઘરે ચોરી થાય તો રાજ એ ચોરને પકડી પાડે અને ચોર ના પકડાય તો ચોરીની રકમ રાજ્યના ખજાનામાંથી એ વ્યક્તિને ભરપાઇ થાય ! આ નિયમને ભાવનગરના બધાં રાજવીઓ ચુસ્તપણે પાળતાં.
આ તો આઝાદી પહેલાંની વાત થઇ પણ હવે રજવાડાનું વિલિનીકરણ થઇ ગયેલું એટલે ભાવનગરનું રાજ પણ રહ્યું નહોતું.છેલ્લા મહારાજ કૃષ્ણકુમારસિંહજી અગાઉ જણાવ્યું તેમ મદ્રાસના ગવર્નર હતાં.
એમાં એક દિવસ ભાવનગરના કોઇ ગામડાંનો એક ખેડુત ભાવનગર દરબારમાં આવ્યો.
" મહારાજા ક્યાં ? "
" કેમ ? "
" મારા બળદ કોક ચોરી ગ્યું છે. "
" મહારાજ તો અહિં નથી.મદ્રાસ છે. "
ગામડાં ગામના આ ખેડુતને ત્યારની ઘણી પ્રજાની જેમ ખબર નહોતી કે આઝાદી મળી એને તો સાત વર્ષ થઇ ગયાં છે અને હવે ભાવનગર રજવાડું રહ્યું નથી.એ બિચારો પોતાની નાનકડી દુનિયામાં જીવતો હોય એને રાજકીય ઉથલ-પાથલો હારે શી લેવા દેવા ? અને ત્યારે ભારતના ઘણા વિસ્તારોમાં સંદેશાવ્યવહારની આધુનિકતા પણ નહોતી.
ખેડુત મદ્રાસ ગયો.મહારાજા કૃષ્ણકુમારસિંહજીને મળ્યો.
" બાપુ ! ભાવનગરથી હાલ્યો આવું છું. "
" આવો બાપ.કેમ જાત્રા કરવા આવ્યા છો ? "
" ના બાપુ.જાત્રા તો અમારા નસીબમાં ક્યાંથી હોય ? "
" તો ? "
" બાપુ મારા બળદ કો'ક ચોરી ગ્યું.... "
" ઓહ ! કેમ કરતાં ભાઇ ? "
" બાપુ,બપોરની વેળાં ખેતરે સાંતી છોડીને ભાતું ખાઇને વડલાંની છાયામાં ઘડીક લાંબો વાંસો કીધો ને ઇ તકનો લાભ લઇ કો'ક ઝપટ બોલાવી ગ્યું.બેય બળદોને પડખેના બાવળીયાની છાંયે બાંધેલા. "
" એમ....સુતા'તા ને લઇ ગયાં ભાઇ ? "
" હા બાપુ.સુતો'તો ને લઇ ગ્યાં. "
" વાંધો નઇ ભાઇ..... તુ તો સુતો'તો ને લઇ ગયાં....આ અમે તો જાગતા'તાં ને બધું લઇ ગયાં !! લે ભાઇ આ પાંચ હજાર....નવી જોડ વસાવી લેજે ને બીજું સાંતી-લાકડું પણ લઇ લેજે. "
અને એ જ ક્ષણે અત્યારના જમાનામાં દસ લાખથીય વધુ થાય એવી પાંચ હજારની રકમ મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ આપી દીધી.
રાજા તો પરમેશ્વરનો અંશ હોય છે.આ રાજવી પણ સાક્ષાત્ પરનેશ્વરનો જ અવતાર હતો.શત્ શત્ વંદન !