હે રઘુનંદન હે દયાળુ ! દ્વાર અમારે પધારોને.
હે સુખસિંધુ કરુણાકારી સેવકને સ્વીકારોને.
લખચોરાશી ફેરા ફરતા, યાદ તમને કરતા રે,
હેત હરિવર હૈયાનું અમે તવચરણે ધરતા રે.
હે રવિકુલનંદન, અસુરનિકંદન,
તારા નામે તરતા રે....હે રઘુનંદન..1
ભૂલોને અવગુણ અમારા, માનવ સૌને જાણીને,
દીનતા અમારી ઉર ધરોને, સ્નેહભીની છે વાણીને.
હે સીતાપતિ, સમરથ સ્વામી,
શીશ તવ ચરણે ધરતા રે...હે રઘુનંદન..2
નાથ દયાના સાગર તમે, કરુણા કેવી કરતા રે,
અંતરયામી કૃપા કરીને, સમર્પણથી વરતા રે.
હે હરિવર ભવ ફેરો ટાળોને,
તારા નામથી તરતા રે...હે રઘુનંદન..3
માયાગ્રસ્ત છું તોયે ભક્ત છું, રામનામ ઉચ્ચરતા રે,
પાતકીને ઉદ્ધારો રઘુવીર, કરુણાકારી કહેતા રે.
અવગુણોને યાદ ન કરશો,
સ્મરણ સદાએ કરતા રે...હે રઘુનંદન..4
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.