#ગઝલ
સગપણ સપનાં સ્વમાન મોભો સર વેચ્યું છે,
કોને કહેવું કઈ હાલતમાં ઘર વેચ્યું છે.
કોને, ક્યારે, કેમ અને ક્યાં એ ના પૂછો,
મેં જ પીઠને મારી એક ખંજર વેચ્યું છે.
ખુદની માટે રડ્યો કદી તો સોદો ફોક,
યાદ નથી? તેં આંખોનું સરવર વેચ્યું છે.
બેઉ તરફથી બેઉ હાથને થયો ફાયદો,
જેણે લીધું ને જેણે અત્તર વેચ્યું છે.
સાવ છીછરી તાળીઓની દાદ પામવા,
ઘણા કવિઓએ કાવ્યોનું સ્તર વેચ્યું છે.
#અનિલ_ચાવડા