જો તમે મારા નામને કારણે મને ચાહતા હોવ તો નહી ચાહતા . નામ તો આજે છે કાલે બદનામ પણ હોઈ શકે .ત્યારે તમને મારી સાથે તમારું નામ જોડાયાનો અફસોસ થશે.
જો તમે મારા કામને લીધે મને પ્રેમ કરતાં હોવ તો જરા પણ નહીં કરતાં.ક્યારેક એવું પણ બને કે હું કામ કરવાનું છોડી પણ દઉં. ત્યારે તમને મારી સાથે જોડાયાનો અફસોસ થશે .
જો તમે મારા દેખાવને કારણે આકર્ષાયા હોવ તો મહેરબાની કરીને મારાથી દુર રહેજો. જેમ જેમ ઉમર ઢળતી જશે એમ એમ દેખાવ પણ ઢળતો જશે .ત્યારે તમને તમારા આકર્ષણ બદલ અફસોસ થશે.
જો તમને મારો સ્વભાવ સારો લાગ્યો હોય અને હું ગમવા લાગી હોવ તો પણ તમે ખોટા છો. સમય અને સંજોગ પ્રમાણે સ્વભાવ બદલાય છે. શરીરનાં હોર્મન્સનો સ્ત્રાવ પણ સ્વભાવ બદલી શકે છે .એ સમયે તમને તમે ખોટા પડયાનો અફસોસ થશે.
જો તમને એમ હોય કે ક્યારેક હું તમને કામ લાગીશ અને તમે નજદીક આવ્યાં હોવ તો અટકીને પાછા જાવ.હું મદદરુપ થઇ શકું છું પણ સ્વાર્થ વગરનાં સંબંધોમાં જ .આ સત્ય અનુભવીને પણ તમને અફસોસ થશે.
મારું કશું શાશ્વત નથી , મારામાં ઘણી જ ખામીઓ છે. હું એક સાવ સામાન્ય વ્યકિતત્વ ધરાવું છું. અને તમને હું ક્યાય કશું જ આપી શકું એમ નથી એવું જાણ્યાં પછી પણ જો તમે મને ચાહી શકતાં હોવ , મને મારી ખામી ખૂબી સાથે જેવી છું એવી જ સ્વીકારી શકતા હોવ , મારા આત્મ સનમાનને જાળવી શકતા હોવ તો મારી નાનકડી દુનિયામાં તમારું સ્વાગત છે.
બાકી , મહેરબાની કરી બારણાં ખખડાવવાની તસ્દી લેતા નહીં...........