એકવાર રુકમિણીના સ્વપ્નમાં રાધા આવી. રાધાને જોઈને રુકમિણી ગદગદ થઈ ગઈ. રાધાની આંખોમાં સમર્પણ છલકાતું હતું અને એના ચહેરા પર ગ્રામ કન્યાનું ભોળપણ રમતું હતું. રાધા સુંદર નહોતી ; એ તો સાક્ષાત્ સુંદરતા જ હતી.
રૂકમિણીએ ભાવથી છલકાતા હૃદયે વાત શરૂ કરી. 'રાધે ! હું અને સત્યભામા અહીં દ્વારીકામાં મહારાજ શ્રીકૃષ્ણની સેવામાં કોઈ કચાશ નથી રાખતા.એમની એક એક પળને પ્રસન્નતાથી ભરી દેવામાં જ અમને જીવતરનો સ્વાદ સાંપડે છે. આમ છતાં કૃષ્ણના કાને ક્યાંકથી રાધા શબ્દ પડે ત્યાં તો અમારા પ્રીતમજી મૌન ઉદાસીમાં સરી પડે છે. તું તો કૃષ્ણની પ્રિય સખી છો. મને તારી અદેખાઈ નથી આવતી . મારા પ્રભુને પ્રિય હોય તે મને પણ પ્રિય જ હોય. હું તારી પાસે તારા કૃષ્ણપ્રેમનું રહસ્ય જાણવા માગું છું, જેથી અમે સૌ મળીને એમને વધારે પ્રસન્ન રાખી શકીએ. તારા સમર્પણમાં એવું તે ક્યું તત્વ છે, જે અમારામાં ખૂટે છે. બહેન ! તારા કનૈયાને વધારે સુખી કરવા માટે આ પૂછી રહી છું.'
રાધા આ સાંભળીને મૌનમાં સરકી પડી. એની આંખમાં આંસુ ઊભરાયા. મહાપ્રયત્ને વહાલપૂર્વક રુકિમણી કહ્યું : 'બહેનડી મારી! આ સવાલનો જવાબ હું શું આપું ? તું મારા કનૈયાને જ પૂછી જોજે.' આટલું કહીને રાધા ફરી મૂંગી થઈ ગઈ અને સ્વપ્ન પૂરું થયું.
બીજે દિવસે રુકમિણીએ કૃષ્ણને એ જ પ્રશ્ન પૂછ્યો. કૃષ્ણ કશું બોલી ન શક્યા. એમની આંખમાંથી એક અશ્રુબિંદુ ટપકી પડ્યું. રુકમિણી તો સ્તબ્ધ થઈ ગઈ. એણે ક્યારેક કૃષ્ણની આંખમાં આંસુ જોયા ન હતા. રાજેશ્વર, રસેશ્વર અને યોગેશ્વર કૃષ્ણ રડે એની કલ્પના રુકમિણી માટે હૃદયને ચીરી નાખનારી હતી. એક બે ક્ષણો વીતી પછી કૃષ્ણે એને આશ્વાસન આપતા કહ્યું : 'હવે જ્યારે પણ રાધા તને સ્વપ્નમાં આવે ત્યારે એને પૂછજે : કૃષ્ણની આંખમાં આંસુ શાથી?' દિવસો વીતી ગયા રુકમિણીના સ્વપ્નમાં ફરી રાધા આવી. રુકમિણીએ પૂછ્યું : રાધા ! તારા કનૈયાની આંખમાં મેં આંસુ જોયા આમ કેમ બન્યું?
આજે રાધા સ્વસ્થ હતી. ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગઈ અને બોલી : 'બહેન! વર્ષોથી મેં મારા કનૈયાને ગોકુળમાં દીઠો નથી. વનરાવનમાં મોરલા ટહુકે અને કૃષ્ણ યાદ આવે ,શ્રાવણમાં ઝરમરિયા વરસે અને કૃષ્ણ યાદ આવે. અહીં અમારા ગોકુળમાં સદેહે કૃષ્ણ નથી અને છતાંય અમને તો એ યમુનાની વાટે અને ઘાટે દેખાયા કરે. પ્રતિક્ષણ એ મારી સાથે નહીં,મારા હૃદયમાં જ! તે દિવસે તેં કૃષ્ણની વાત કરી અને વળી મારે કારણે કનૈયો ઉદાસ બની જાય એવી વાત કરી, તેથી હું ખૂબ રડી. હું અહી રડી અને ત્યાં કૃષ્ણની આંખમાં આંસુ !'
થોડુંક થોભીને રાધાએ આગળ વાત ચલાવી : 'બહેન !તું તો પટરાણી છે. એક વિનંતી કરવી છે. હવે પછી કદીએ મારું નામ કૃષ્ણને કાને પડે તેવું ન કરશો. અમે તો ગોકુળની ગોપીઓ છીએ. કૃષ્ણ માટે રડવાનો, ઝૂરવાનો અને વિરહમાં વ્યાકુળ બનવાનો અધિકાર અમારું સર્વસ્વ છે. કૃષ્ણ રડે તે અમને ન પાલવે. અમારા કનૈયાને અહીં અમે ક્યારેય રડતો જોયો નથી. રડવાનો લહાવો તો અહીંની ગોપીઓ કૃષ્ણ સાથે પણ વહેંચવા તૈયાર નથી. ત્યાં મારા વતી કનૈયાને ખાસ કહેજે કે યોગેશ્વરની આંખમાં આંસુ ન શોભે, એ તો રાધાની આંખમાં જ શોભે.'
-ગુણવંત શાહ 🍁(કૃષ્ણં શરણં ગચ્છામિ)