બંધ છે આંખો છતાં બોલી નજર,
રાહ તારી નીરખે મારી નજર.
આયનો શરમાઈ જાતો જોઈને,
એટલી મોહક હતી એની નજર.
એ નજરથી આ નજર હટતી નથી,
નેહ નીતરતી પછી ચાહી નજર.
એ નશા બાબત નહીં બોલી શકું,
જામ છોડી મેં ફ-કત પીધી નજર.
સામસામે છો મળી શકતા નથી,
"કેમ છો પૂછી" તમે રાખી નજર.
હું ઘવાયો છું વગર હથિયારથી,
કેટલી કાતિલ હતી ત્રાંસી નજર.
કયાંક મારી તો નજર ના લાગી જાય,
તું ઉતારી લે જરા તારી નજર.
બે નજર મળતાં અમે તો એક થ્યા,
માનવો આભાર ઓ પ્યારી નજર.
જે નજરમાં રાખતા'તા ને પ્રશાંત,
એમનાથી ફેરવી લીધી નજર.
....પ્રશાંત સોમાણી