ઘરેણાં .... Part -1
રામજી ડોસાએ કરચલી વળેલી ચામડી અને ઉંડી ઉતરી ગયેલ આંખે ડોશી સામે ઓશિયાળા ચહેરે જોયું અને થોથવાતી જીભે તૂટક તૂટક શબ્દોમાં કહ્યું, 'હજી રમેશ ચ્યમ ના આયો?'
જેઠીબેન બોલ્યાં, 'રાંમ જાણે! આખો દા'ડો થ્યો, બળ્યું મનેય ચંત્યા થાય છે. શું રૂપિયાંનો ચ્યાંય મેળ નઈ આયો હોય? મારો ભઈ હાવ એમનેમ તો પાછો ના જ મેલે, થોડા ઘણાય પૈસા તો એના ઘરમાં હોય જ. અરે રમી વઉં ફૂન કરીને પુછો કે હજી ચ્યમ ના આયો રમેશ ?'
રમીલાએ કહ્યું, 'બા, હાલ જ ફોન કર્યો મેં. રસ્તામાં જ છે, અડધા કલાકમાં આવી જશે.'
રામજીભાઈ અને જેઠીબેનનો પરિવાર રામપુરા નામના એક ગામમાં રહે છે. ખેતમજુરી અને પશુપાલન કરીને જીવન નિર્વાહ કરતા આ પરિવારમાં રમેશ નામનો ગ્રેજ્યુએટ દિકરો અને ધોરણ બાર પાસ વહુ રમીલા છે. રમેશ ભણવામાં ખુબ હોશિયાર હતો જેથી સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ પણ થઈ ગયો છે. બસ નોકરીનો કાગળ આવે એટલી જ વાર છે. વહુ રમીલા પણ શિવણ ક્લાસ શીખી રહી છે .એના પિયરમાંથી સિલાઈ મશીન લગ્ન વખતે જ મળેલ છે. ટુંકમાં સુખના દિવસોના કિનારા પર બેઠેલ આ નાના પરિવારને કોની નજર લાગી ગઈ!
રામજીભાઈને કમળો થયો, એમાંથી કમળી થઈ ગઈ. દવા-દારુમાં દુઝણી ભેંસ વેચાઈ ગઈ. રામજીભાઈને સારુ પણ થયું પરંતુ બે મહિને બિમારીએ ઉથલો માર્યો. સેવા ચાકરીમાં આખો પરિવાર ખડા પગે હાજર હતો, છતાંય રામજીભાઈનું શરીર ક્ષીણ થઈ ગયું. દવાદારૂનો ખર્ચો કરતા ગયા ,ઉછી ઉધારો કરતા ગયા ને ઘર ધોવાઈ ગયું.
રમેશે નક્કી કર્યું કે ગમે તે ભોગે પિતાજીને સારા દવાખાને દાખલ કરવા અને એમને બચાવી લેવા. માતા જેઠીબેનની સલાહથી રમેશ રૂપિયાના બંદોબસ્ત માટે મામાને ઘેર ગયો હતો.
સાંજના છ વાગ્યે રમેશ ઘેર આવી ગયો. રમીલાએ પાણી આપ્યું, ચાર પાંચ મિનિટ જવા દઈને જેઠીબેને પુછ્યું, શું કર્યું દિકરા? નિરુતર ચહેરો જ કહી રહ્યો હતો કે, કોઈ મેળ આવ્યો નથી. જેઠીબેનની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં, રામજીભાઈએ વેદનાસભર મુખે ઉંચે જોયું. પાંચેક મિનિટની ખામોશી પછી રામજીભાઈ ધીરેથી બોલ્યા, જો રમેશ, મું તો પાકુ પાંન છું, ખોટા ખરચા રેવા દો. ભગવાંનને જે મજુર હશે ઈ થાશે.
શું બોલે રમેશ? આંખોમાં પાણી ભરાઈ આવ્યાં, ગળે ડૂમો વળી ગયો .હાય રે કુદરત! શું આ જ છે માનવ જીંદગી? આ માયાળુ પરિવારે નથી કોઈનું કદી ખોટું કર્યુ, કે ખોટામાં કદી ભાગ નથી લીધો, મહેમાનો માટે તો આ ઘરના દરવાજા સદા ખુલ્લા રહ્યા છે,ને એટલે તો આખા મહોલ્લા, ગામ -સૌને અફસોસ છે કે આવા પરગજું પરિવાર પર આવી આફત! ખેર, કુદરતને કદાચ આવું મંજૂર હશે.....
રમીલાથી ડૂચકું નંખાઈ ગયું, છેવટે જેઠીબેને ઉભાં થઈને રમેશ અને રમીલાને સાંત્વના આપવી પડી.થોડો સમય શાંતિ છવાઈ ગઈ. રમીલાએ ઝટપટ આંખો લુંછી નાખી. મા સમાન સાસુમા જેઠીબેન પાસે આવીને બોલી બા ,મારાં ઘરેણાં શું કામમાં આવશે? જો ઘરનો મોભ જ તુટી પડશે તો એ આભૂષણો પહેરીને કોને બતાવીશ બા.
રામજીભાઈ, રમેશ અને જેઠીબેન એકીટશે રમીલાને જોઈ રહ્યાં.કોઈ પાસે બોલવાના શબ્દો નહોતા છતાંય જેઠીબેને આ અણમોલ રત્ન સમાન વહુના માથા પર હાથ મુકીને કહ્યું, બેટા એ ઘરેણાં તો તમારા પિયરની અમાનત છે, એના પર અમારો હક્ક શો?