"યુદ્ધ એ જ કલ્યાણ..."
ઘણા લોકો યુદ્ધ કરવાથી અને તેના પરિણામથી ડરતા હોય છે.અર્જુન જેવો અર્જુન પણ ધર્મભૂમિમાં યુદ્ધ કરતા પહેલા ડરી ગયો હતો. પોતાની સામે પોતાના જ સ્વજનોને જોઈને તેનું હૃદય દ્રવી ઉઠ્યું અને ત્યાંથી જ શરૂ થયો ગીતાનો પ્રથમ અધ્યાય. અર્જુનના મનમાં જે વિષાદ, જે ડર અને જે સવાલો ઉત્પન્ન થયા એ દરેક સવાલોના જવાબ ભગવાન શ્રી કૃષ્ણએ આપ્યા છે. આ સવાલ- જવાબને અંતે જે સાર મળે છે એ એટલો જ છે કે, "યુદ્ધ જ કલ્યાણ છે." ગીતાના પ્રથમ અધ્યાયનાં છત્રીસમાં શ્લોકમાં અર્જુન કહે છે કે, "યુદ્ધ કરવાથી પાપ લાગશે." ત્યારે બીજા અધ્યાયમાં ચાલીસમાં શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ સમજાવે છે કે, યુદ્ધ નહીં કરવાથી પાપ લાગશે અને યુદ્ધ નહીં કરવાથી ધર્મનો નાશ થશે.
અર્જુનના મનમાં જે વિષાદ ,જે ડર ઉત્પન્ન થયો એ જ ડર આપણાં મનમ પણ ઉત્પન્ન થતો હોય છે. ઘણી વાર આપણે એ જ ડરમાં યુદ્ધથી દુર ભાગતા હોઈએ છીએ. યાદ રાખવું કે, "શસ્ત્રો વડે કરવામાં આવે એને જ યુદ્ધ કહેવાય એ વાત તદ્દન ખોટી છે." ઘણી વાર માણસનું પોતાની જાત સાથે, પોતાના વિચારો સાથે, પોતાની આર્થિક કે માનસિક પરિસ્થિતિ સાથે, જિંદગી સાથે, સમય અને સંજોગો સાથે પણ યુદ્ધ થતું હોય છે. આ એવું યુદ્ધ હોય છે જ્યાં માણસે બસ લડી લેવાનું હોય છે. અહીં હથિયાર નથી હોતા પણ દરેક યુદ્ધને લડી શકાય એવું આપણું મન હોય છે. અહીં હાર અને જીત પણ નથી હોતી. અહીં બસ લડી લેવાનું હોય છે.
જીવન એક યુદ્ધ સમાન છે. અહીં જીવવા માટે સતત લડતા રહેવું પડે છે. જીતવું કે હારવું એથી વધુ મહત્વનું છે લડવું. લડતા રહો દરેક મૂંઝવણો દૂર થતી જશે અને જીવન સમજાતું જશે.
છેલ્લે દિલથી કહું તો એક ગીત યાદ આવે છે:
ધૂંધલા જાયેં જો મંઝીલે એક પલ કો તું નજર ઝુકા,
ઝુક જાયેં સર જહાં વહી મિલતા હૈ રબ કા રાસ્તા.
તેરી કિસ્મત તું બદલ દે, રખ હિંમત બસ ચલ દે.
તેરા સાથી, મેરે કદમોં કે હૈ નિશાન
- SHILPA PARMAR "SHILU"