*મિત્રો, આપણે મળ્યા છીએ જ ક્યાં!*
મળીને છુટા પડવું, કે શ્વાસના તાર તૂટ્યા પછી સ્વજનોથી કાયમ માટે અળગા થવું....
આ તમામ ઘટનાને આપણે વિદાય સમજીએ... પણ
સૂર્ય અસ્ત એટલે થાય છે, કેમકે તે ઉગે છે.
પુષ્પ એટલે ખરે છે, કેમકે તે ખીલે છે.
ઝાકળ ઘાસ પર બાઝે છે એટલેજ ઉડી જાય છે.
આ બધીજ ક્રિયાના આગમન ને ટાળી શકાય તેવી નથી.
મિલન સાથેજ વિદાયનું બીજ રોપાય જાય છે.... પણ
આકાશ ક્યારેય સૂર્યના અસ્તનો શોક નથી પાળતું....
ડાળી ફૂલ ખર્યાની ઉદાસી ઓઢી નથી લેતી.....
ઝાકળના ઉડી જવાથી પાંદડાંઓ ક્યાં વિષાદ વ્યક્ત કરે છે?
જો વિષાદ કરવો હોય તો વિદાયનો નહિ, પણ ક્યારેય ન મળ્યાનો જ કરવો જોઈએ.
મળવાની ક્ષણ સાથેજ વિદાયની ક્ષણનો જન્મ થાય છે.
વિદાય એ મિલનની પરાકાષ્ટા છે.
જે એક વાર મળે છે તે ક્યારેય વિદાય લેતોજ નથી.
*એ હૃદયના શિલાલેખમાં સ્મરણોના અક્ષરથી હંમેશાં માટે કંડારાઈ જાય છે. *