એક સાંધીએ ને ત્યાં તો તેર તૂટે છે;
અહીં જવાબદારીઓ જ વધે પૂંઠે છે;
હોય હોનારત કે પછી હોય મહામારી,
સરકારી કર્મચારી જ કામમાં જૂટે છે;
છતાં બંદ થાય એના મોંઘવારી ભથ્થા,
મજબૂર કર્મચારી બિચારો માથા કૂટે છે;
રાંકના ઘરે નથી ખાવા એક ટંક રોટલો,
ને અમીરના ઘરે ધનના ઝરણા ફૂટે છે;
કમર તોડી મધ્યમ વર્ગની કરવેરા નાખી,
મોટી મોટી વાતો કરી નેતા મોજ લૂંટે છે;
કરકસર કરીને જીવન જીવતાં જીવતાંય,
પણ મહીનાના અંતે તો બધું જ ખૂટે છે;
છે વાંક એમાં ક્યાંક નાગરિકોનો પણ
કાબેલિયત છોડી નાતજાતે નેતા ચૂંટે છે;
એક કર્મ છે જે ચાલે છે સંગાથે "વ્યોમ"
છતાં કોઈથી ધનની લાલચ ક્યાં છૂટે છે?
..✍️ વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB)