મધરાતે
ભરનિદ્રામાં
હું સ્તવન કરતો હતો
જોગણીઓનું.
એ જ ઘડી
પ્રગટ થયાં સોનલ દે.
છ અક્ષરના રથ પર સવાર થઈ
'ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે'
બોલ્યા:
ઊઠ બેટા, જાગ જાગ.
મેં વંદન કર્યા
બોલો માતે આદેશ...
એમણે કહ્યું :
હું તને અમોઘ બાણ આપું છું
તું એનો ઉપયોગ કર
અને હણી નાખ સૌ માખીઓને
કાળી, ધોળી, લીલી, પીળી, વાદળી, રંગીન વગેરે વગેરે.
નર અને માદા બેઉને
તો માખીઓને સ્વર્ગ મળશે.
બીડીનું ઠૂંઠું પીધાંનું સ્મરણ થતાં જ
મેં એમાંથી થોડીક આગ
બાણના ટેરવે મૂકી
છોડ્યું તીર.... સનન સનનન...
સ્વાહા માખી જગત.
સોનલ દે! હે માતે!
મેં તારું કાર્ય પૂરું કર્યું
ધર્મ સ્થાપના માટે
શું આટલું પૂરતું હતું
મા સોનલ દે...??
ઉત્તર દે.
વિનુ બામણીયા