સ્પંદન ઘૂંટી ભ્રમણાને ઓઢી બેઠી છું,
અંગે અંગે ભડકાને ઓઢી બેઠી છું,
ક્યાંય કદી કોઈથી,ક્યારેય લખાઇ નથી,
એવી ગઝલનાં મત્લાને ઓઢી બેઠી છું,
ઝાકળનું ભારણ હું ઝીલું કેવી રીતે?
આખે આખા તડકાને ઓઢી બેઠી છું,
ફોરમ આ વાસંતી સ્પર્શે ક્યાંથી મુજને?
હું પતઝડનાં પડખાને ઓઢી બેઠી છું,
વસ્ત્રો આ કાયાનાં,લાગે છે ભારે પણ,
શ્વાસોનાં આ ચરખાને ઓઢી બેઠી છું,
વણઝારો નીકળતી પ્રતિક્ષાની પોઠૉ લઇ,
હું મીણીયા રસ્તાને ઓઢી બેઠી છું,
મ્હોરા બદલી, પાત્રો ભજવ્યાં જુદાં જુદાં,
પરદા પાછળ તખ્તાને ઓઢી બેઠી છું,
પૂર્ણિમા ભટ્ટ 'તૃષા'