કાંઠાનો પણ તો આજે સહારો નથી રહ્યો ,
વિસ્મય છે કે નદીને કિનારો નથી રહ્યો !
હા, પહેલાં જેવો તો હું પીનારો નથી રહ્યો,
જાણું છું કે સમય હવે મારો નથી રહ્યો !
ક્યાં છોડવી તો સહેલી છે દુનિયાને આમ તો?
હસતા મુખે હવે કો' જનારો નથી રહ્યો !
ના એકલા જવાનું તો રાખો તમે હવે!
આજે જમાનો તો જરા સારો નથી રહ્યો !
ના સ્પર્શે છે મને તો કશું પણ હવે જરા,
આ જિંદગીની સાથે પનારો નથી રહયો !
જોવા મળે સરસ ઘણા ચહેરા અહીં બધે,
સૌંદર્ય પર કોઈનો ઈજારો નથી રહ્યો !
બોલાવતી જે મૌન રહી ને મને સદા ,
એ આંખનો હવે તો ઈશારો નથી રહ્યો !
- હેમંત મદ્રાસી