.🌓🌓🌓🌓🌓 એ જાણવા જોવા તણી દિલ ઝંખના ખટકી રહી;
બ્રહ્માંડને ભટકી રહી, અંતે મતિ અટકી રહી.
આકાશના ઘડનારના ઘરને ઘડ્યાં કોણે હશે ?
તારલાની માતા તણા કોઠા કહો કેવડા હશે ?
અધ રેચકે પ્રલયો ગયા, પૂરકે લયો કેટલા જશે ?
અવધૂત એ જોગી તણાં આસન કહો ક્યાં હશે ?
બે બે મશાલો બાળતો વળી વાળતો જોતો હશે ?
સંભાળતો અંજવાળતો ઉભો મશાલી ક્યાં હશે ?
દરિયા તણો ક્યારો કર્યો એનો કૂવો કેવડો હશે ?
એ કોસનો હાંકણહાર ખેડૂત ઉભો ક્યાં હશે ?
ધરતી તણો પિંડો કર્યો રજ લાવતો ક્યાંથી હશે ?
જગ ચાક ફેરણહાર એ કુંભાર બેઠો ક્યાં હશે ?
કાળી કાળી વાદળીઓ તણો ગોવાળ શું કાળો હશે ?
વિણ આંચળે આકાશનો દોહનાર ઉભો ક્યાં હશે ?
પોતે બનાવ્યો ફાસલો બીજા બધાં આવી ફસે ?
પોતે ફસ્યો નિજ પાશમાં એ તો મૂરખ કેવો હશે ?
કર તાલ તાળી દઈ જતો હૈયા વિષે હસતો હશે ?
બાંધે ઘણા છટકી જતો એ તો ચતુર કેવો હશે ?
આકાશને અંધકાર વીંટણહાર જોતો શું હશે ?
અંધકારની માતા તણે અંગ ઓઢણા કેવા હશે ?
અમૃત તણા બાપુ તણાં મુખડા કેવા મીઠાં હશે ?
વિષ જણનારીના દૂધડા કેવા કડવા હશે ?
જન્મો જીવન વૈભવતણાં પુષ્પોની કર માળા વસે,
શૃંગાર સરજનહાર એ વનમાળી પ્રભુ કેવો હશે ?
છેતરે નહી છેતરાય ના અબજોનો આડતિયો દિસે,
સૌના હિસાબો ચૂકવે એ શેઠિયો કેવો હશે ?
કહે ‘કાગ’ સર્જક સર્પનો કેવો કઠિન ઝેરી હશે ?
પવને સુગંધ પ્રસરાવતો કેવો લાડીલો લ્હેરી હશે ?
પશુપંખી ને કણનો પિતા પરમારથી કેવો હશે ?
એક માનવી ઘડનાર એ પ્રભુ સ્વાર્થી કેવો હશે ?
~ કવિ દુલા ભાયા કાગ