ઘટમાં બોલે અલખ અલગારી,
તું ભીતર જોને વિચારી - ટેક
મંદિર ફર્યો તીરથ ફર્યો,
ફર્યો બદરી કાશી ;
ચાર વેદ ખટશાસ્ત્ર ભણ્યો,
ના ઓળખ્યા અવિનાશી - ઘટમાં
પડ્યું છે તાર ઘટડાની માંહે,
બાહેર શીદને ખોળો ;
સંત કૃપા અને સદગુરુ ગમથી,
અંતર ચક્ષુ ખોલો - ઘટમાં
તન મન ધન ગુરુ ચરણે ધરીને,
નિજસ્વરૂપે જાણી ;
નામ રૂપ ગુણ ખંડ કરીને,
લેજો અખંડ સ્વરૂપને માણી - ઘટમાં
આપ સ્વરૂપે આપને નીરખી,
નિર્વાણ પદને પામી ;
દાસ દીપક કહે ગુરુ પ્રતાપે,
ચોરાસીને વામી - ઘટમાં