ગઝલ : --- સમય લીધો .....
કવિ : --- 'અગન' રાજ્યગુરુ
પ્રતિક્ષાની પળો એ શ્વાસ ભરવામાં સમય લીધો
સમય સરકી ગયો કિન્તુ સરકવામાં સમય લીધો
તને રોકી શકે એવી હતી તાકાત એની પણ,
ખરા ટાણે જ આંખોએ છલકવામાં સમય લીધો
ખુલી આંખે સજાવી જીવ જેવું સાચવ્યું જેને
હંમેશા એજ સપનાએ ચમકવામાં સમય લીધો
જીવનનું સત્ય તો રસ્તે રઝળતા બાળ જેવું છે
જડયું જે કોઈને એણે પકડવામાં સમય લીધો
ખુશીઓથી પરિચય એટલે ઝાઝો નથી મારે
દુઃખોએ જિંદગીમાંથી ગુજરવામાં સમય લીધો
શિકાયત કાયમી મનમાં રહી બસ એજ બાબતની
મને સમજ્યો જમાનો પણ સમજવામાં સમય લીધો
'અગન' હીરા કે મોતી હોત તો હો વાત જુદી પણ
અહીં તો માણસે માણસ પરખવામાં સમય લીધો
---'અગન' રાજ્યગુરુ(From :-WhatApps)