🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏
સતિ તોરલ રે સમજાવે જેસલ રાયને રે,
જેસલજી ભાવે રે ભજી લ્યો રઘુરાયને રે...
એ ગાજો પ્રભુના રે ગાન, ધરજો હરી કેરા ધ્યાન,
આવે સંતો ની રે શાન... સતિ તોરલ...
તોરાંદે પહેલું રે નમણું કોને કરીએ રે...
જાડેજા પહેલી રે નમણું રે શ્રી ભગવાનને રે...
જેણે સર્જ્યો છે સંસાર,
એતો જગનો છે આધાર,
એતો વહેલી કરશે વાહર... સતિ તોરલ..
તોરાંદે બીજી રે નમણું રે કોને કરીએ રે,
જાડેજા બીજી રે નમણું રે માત તાતને રે,
હે એતો જનમના દેનાર,
નાને થી મોટા રે કરનાર,
સઘળા દુખડાના હરનાર... સતિ તોરલ...
તોરાંદે ત્રીજી રે નમણું રે કોને કરીએ રે,
જાડેજા ત્રીજી રે નમણું રે ગુરુદેવને રે,
ગુરુનો મહિમા છે અપાર,
દેખાડે હરિના રે દ્વાર,
ભવોભવ બંધન ખડનાર... સતિ તોરલ...
તોરાંદે આપો રે આશિષ કહું પ્રેમથી રે,
જાડેજા રટજો રે પ્રભુને એક નીમથી રે,
જપો અલખના રે નામ,
સુધરી જાય આ સવ કામ,
આવું ગાવે છે સુખરામ.... સતિ તોરલ...
🪕📿🪕📿🪕📿🪕📿🚩💐🚩🌷🌹🌷🚩💐🚩