રૂપાળા દેહમાં આતમનું પણ હોવું જરૂરી છે;
મનોહર ફૂલ છે,ફોરમનું પણ હોવું જરૂરી છે.
કહાવો છો દયાળુ ને દયાની છાંટ પણ ક્યાં છે?
આ ખાલી કૂપમાં ઝમઝમનું પણ હોવું જરૂરી છે.
ભલે ને ડૂબીએ પણ તાગ સાગરનો તો લઈ લેશું;
અરે ઝંપલાવ દિલ! જોખમનું પણ હોવું જરૂરી છે.
જરૂરી છે અગર પુષ્પો મહીં હોવું પરિમલનું;
ફરિશ્તાઓ મહીં આદમનું પણ હોવું જરૂરી છે.
થયું સાબિત ચમકતી વીજ જોઈને ઘટાઓમાં;
અમાસે કો’ક દી પૂનમનું પણ હોવું જરૂરી છે.
નજરથી જખ્મ કરનારા!નમક પણ છાંટજો થોડું;
અમારા દર્દ પર મરહમનું પણ હોવું જરૂરી છે.
નિહાળો ના આ ફાટી આંખથી સૌન્દર્યને ‘નાઝિર’!
પરમદર્શન સમે સંયમનું પણ હોવું જરૂરી છે.
નાઝીર