હ્રદયના ઊંડાણના તાપણેથી નીકળતા શબ્દો.
જઈ બીજા કાને વળી કેવા સળવળતા શબ્દો.
અંતરથી અંતર સુધીની હોય શબ્દયાત્રા મારી,
લાગણીના વહેણમાં જાણે પછી ગળતા શબ્દો.
સત્યના સહારે જીવવાનું હરહંમેશ હોય નક્કી,
સંબંધ સાચવવાના મુદે કોઈ ના કહેતા શબ્દો.
હોય અતિરેક ભાવનાનો કદી અનહદ માપમાં,
દૂર અભિવ્યક્તિ થકી રહી વળી સંતાતા શબ્દો.
કોઈ ઉરને કરી જઈ પુલકિત સંજોગો પામતાં,
જાણે કરી નર્તનને હશે કેટલા હરખતા શબ્દો.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર