વન ઉપવનથી ઊડીને આવતાં મારી ફળીનાં પારેવાં.
આવીને મુજ આંગણે ટહેલતાં મારી ફળીનાં પારેવાં.
મૂઠી જાર પામવા દૂરસુદૂરથી જે પંથ કાપનારાં પંખી,
જાણે કે શાંતિસંદેશને સુણાવતાં મારી ફળીનાં પારેવાં.
થોડા પણ પદરવ સંચારે ડરી ઝાઝું ઊડી જનારાં એ,
" ઘૂ- ઘૂ " કરી આંગણને ગજવતાં મારી ફળીનાં પારેવાં.
સાવ ભોળાંને નિરુપદ્રવી ફળિયાંની શોભા વધારતાં,
મુજ ગૃહ જે સ્વજનનું સમજતાં મારી ફળીનાં પારેવાં.
ચણી ચણને પીતાં પાણી પાંખ ફફડાવતાં ખુશ થઈને,
મને એનાં સગાસંબંધી જે ગણતાં મારી ફળીનાં પારેવાં.
- ચૈતન્ય જોષી ' દીપક ' પોરબંદર.