અડધા લોકોનું જીવન ગમતી વ્યક્તિની શોધમાં નીકળી જાય છે અને અડધાનું ગમતી વ્યક્તિની પ્રતીક્ષામાં. જો કોઈ તમને 'આઈ લવ યુ' કહેતું હોય તો તમે નસીબદાર છો, પણ જો કોઈ તમને 'આઈ લવ યુ ટુ' કહેતું હોય તો તમે સૌથી વધારે નસીબદાર છો. આ જગતમાં દ્રઢ મનોબળ અને પરિશ્રમ દ્વારા બધું જ મેળવી શકાય છે સિવાય કે પ્રેમ.
આપણામાં રહેલા કેટલાક પરમાણુઓ બીજા કોઈનામાં રહેલા પરમાણુઓ સાથે મેચ થઈ જાય ત્યારે ચારેય દિશાઓમાંથી સિગ્નલ આવવા લાગે છે. ત્યારે વાદળ ગરજવા લાગે કે વિજળી ચમકવા લાગે એવું જરૂરી નથી. પ્રેમમાં પડીએ ત્યારે બહારનું નહીં, અંદરનું વાતાવરણ બદલાય છે. એક એવી વ્યક્તિ જેની સાથે જબરદસ્ત કનેક્શન ફિલ થાય. એવું લાગે કે આ પહેલા પણ ક્યારેક મળ્યા છીએ અથવા તો એવું લાગે કે ક્યારેય છૂટા જ પડ્યા નથી. એવું લાગે કે વર્ષોથી જેની શોધમાં હતા, આ એ જ વ્યક્તિ છે.
એક મસ્ત કેન્ડલ લાઈટ ડીનર અને અફલાતૂન ઓર્ગેઝમ પછી પણ આ જીવ અતૃપ્ત જ રહેતો હોય છે જ્યાં સુધી કોઈ એવું નથી મળતું જેના ખોળામાં માથું મૂકીને જિંદગી સાથે ફ્લર્ટ કરવાનું મન થાય. જેની સાથે દરિયા કિનારે ચાલતા ચાલતા સમયને ‘સ્ટેચ્યુ’ કહી દેવાનું મન થાય. જેના વિરહને પણ એના પ્રેમનો પ્રસાદ માનીને ગળે લગાડવાનું મન થાય. જે હાથ પકડે અને હથેળી પર ગુલમહોર ઉગવા લાગે. જેની સાથે રહેવાનું મન થાય એવું નહીં, જેના વગર જીવી નહીં શકાય એવું લાગવા લાગે.
રૂટીન કરતા ચંદ્ર થોડો વધારે ક્યુટ લાગવા લાગે, વરસતા વરસાદને ચુમવાનું મન થાય, રેડિયો પર વાગતા દરેક ગીત સાથે ‘રેલેવન્સ’ ફિલ થાય. જેને મળીને આપણે બની જઈએ એક એવી વ્યક્તિ, જેને આપણે પહેલા ક્યારેય ઓળખતા જ નહોતા. જેનો વિચાર કરીએ તો એકાંત ગમવા લાગે, અને વાતો કરીએ તો ઉજાગરા. એ સપનામાં આવી શકે એટલે બંધ પાંપણો પર બારી મૂકાવવાનું મન થાય અને હ્રદય ઉપર દરવાજા.
કોઈ જ કારણ વગર, ફક્ત કોઈની હાજરીથી જ ખુશ રહેવાનું મન થાય તો સમજવું કે આપણામાંથી છૂટો પડી ગયેલો આપણો જ કોઈ ટૂકડો બ્રમ્હાંડે આપણને પાછો આપી દીધો. જેની હાજરીમાં આપણી જાત ગમવા લાગે, સપનાઓ જોવાની ઈચ્છા થાય, ડૂબતો સૂરજ ગમવા લાગે, અંધારું સુગંધી લાગે અને મૌન અર્થસભર. બસ, એ વ્યક્તિનો હાથ પકડી રાખજો કારણકે લાખ પ્રયત્નો છતાં પણ આ વિશ્વમાં બીજું કોઈ એવું નહીં મળે જેની સાથે એવું કનેક્શન ફિલ થાય.
-ડૉ. નિમિત્ત ઓઝા (all © reserved )