વિદાય
=================================
"કા'ના, બસ જાવું જ છે !!"
ગોકુળ છોડીને જતાં વિદાયની ઘડીએ રાધાએ અશ્રુભીની આંખો લૂછતાં કહ્યું.
"હા રાધે..., ઘણાં મારી રાહ જૂએ છે." - કિશને દૂર અનંત મીટ માંડી નિશ્ચયાત્મક ઉત્તર વાળ્યો.
"તો પછી હું !?" રાધાએ જાણે એક અધિકારભાવ આક્રોશ વ્યક્ત કર્યો.
"રાધે, બધામાં રાધા જેવી શક્તિ ક્યાંથી હોય !" - કિશને હવે રાધાની આંખમાં આંખ પરોવીને વાત કરી.
"એટલે ?...,..., તું વિયોગ વ્હાલો કરીશ એમ જ ને!"
"હા; વિયોગ પણ તારો જ છે ને ! , કારણ કે તું જ મારા રોમેરોમમાં છે, તું જ મારી શક્તિ છે."
કા'નાનાં કામણગારા કથન સુણી રાધાનાં નયનોએ અશ્રુઓનું કવચ ઓઢી લીધું ને "હું ય રાધા છું" નો મનમાં હુંકાર ભરી સદાયે એક રહેવા મીઠા મલકાટ સાથે કા'નાને વિદાય આપી.
###
રાજેન્દ્રકુમાર એન.વાઘેલા
ભરૂચ.