#પૂછપરછ
સ્કૂટરની આગળની ખુલ્લી ડેકીમાંથી મોબાઇલ ચોરાયેલો. હજી તો શૈવી સ્કૂટર પાર્ક કરીને બીજા માળે પોતાના ઘરે ગઈ અને એકદમ મોબાઇલ યાદ આવતાં નીચે આવી. નીચે આવીને જોયું તો ડેકીમાંથી મોબાઇલ ગાયબ. રાતના અંધારામાં એણે એક માણસને દોડીને પાછળનાં બારણેથી નીચેના ઘરમાં જતાં જોયેલો. ફલેટના સૌથી નીચેના ઘરનાં પાછળના બે રૂમ મકાન માલિકે ભાડે આપેલા. જો કે ભાડુઆત વિશેની ફરિયાદો સોસાયટીમાં ઘણી હતી પણ મકાન માલિક ભાડાની લાલચે ભાડુઆત ને રાખતો હતો. શૈવીએ નીચેના ઘરનો મુખ્ય દરવાજો ખખડાવ્યો. મકાન માલિકે દરવાજો ખોલ્યો. શૈવીએ ફરિયાદ કરતા મકાનમાલિકે ભાડુઆતને બોલાવ્યો. પણ ભાડૂઆત કોઈપણ ભોગે ગુનો સ્વીકારવા તૈયાર જ ન થયો. શૈવીએ અંતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસ આવીને ભાડુઆત ને લઈ ગઈ અને પોતાની રીતે પૂછપરછ કરી. ભાડૂઆતે ગુનો કબૂલી લીધો અને એક જ કલાકની અંદર શૈવીને પોતાનો મોબાઈલ મળી ગયો.