આપણી જ જવાબદારી
==================================
(૬)
કયા માં બાપ એવું ઈચ્છે કે પોતાનું બાળક વ્યસન તરફ વળે. તદ્દન સ્વાભાવિક છે કે એવું તો કોઈ જ ન વિચારે. બાળક નાનપણમાં તો એવું બોલતું -કહેતું હોય જ છે કે "આવું તો ન ખવાય" કે "ગંદુ કહેવાય..." વગેરે..., પરંતુ એ જ બાળક યુવાની તરફ પ્રયાણ માંડે એટલે બહું વિશાળ દુનિયા તેની સામે આવે છે અને તેમાં ક્યારેક ખોટી સોબત - સંગતને કારણે તે વ્યસન તરફ વળે છે; પછી એક સમય એવો આવે છે કે તે જે વ્યસનનો બંધાણી થયો હોય તેનાં વગર ચાલતું નથી. ખાસ કરીને યુવા વર્ગમાં smoking અને Drinks બહું સહજ છે.
હવે વાત એ છે કે બાળક કોઈપણ વ્યસન તરફ પગલું ભરે તે પહેલાં આપણે સાવચેત થવાની જરૂર છે. જો તેણે એકાદ વખત પણ પાન-પડીકીનો કે અન્ય દ્રવ્યનો ટેસ્ટ સુધ્ધાં કરી લીધો તો પછીથી કહેવાનો કોઈ અર્થ નથી. એક વખત વ્યસનમાં પડ્યાં પછી બહું ઓછા લોકો તેમાંથી પાછા વળે છે, જેથી બાળકને નાનપણથી જ જુદા જુદા વ્યસનો અને તેનાં ગંભીર પરિણામો વિશે અવગત કરો. તેને પાસે બેસાડીને બરાબર ગળે ઉતરે તે રીતે સમજાવવાનો પ્રયત્ન કરો. કોઈપણ ડ્રગ્સ હાથમાં લેતાં પહેલાં તેને એક વખત તો તમારી આપેલી સમજણ યાદ આવવી જ જોઈએ. છતાં પણ જો તે તેનાં આજુ બાજુનાં માહોલને વશ થઈને વ્યસન તરફ વળે તો તેને રોકવાના યથાયોગ્ય તમામ પ્રકારનાં પ્રયત્નો હાથ ધરવા. આ સમગ્ર વાત ફક્ત પુરુષ વર્ગ તરફી જ નથી. ઘણી પુખ્ત વયની સ્ત્રીઓ - યુવા છોકરીઓમાં પણ ધૂમ્રપાનથી માંડી મદિરાપાન કે બ્રાઉન સુગર સુધીની લત લાગી હોય છે અને આ બધી ક્રિયાઓ શરૂ શરૂમાં પડદા પાછળ જ થતી હોય એ સ્વાભાવિક છે. ટૂંકમાં કહેવાનું એ જ કે વિશ્વાસ હોય એ સારી વાત છે પણ વહેમમાં રહેવું નહીં.
આપણી ભાવિ પેઢી નિર્વ્યસની જ હોવી જોઈએ અને તેની જવાબદારી આપણી જ છે; પરંતુ તેનું પ્રથમ સોપાન આપણે ખુદ વ્યસન રહિત હોવું ઘટે. કેટલાંક અપવાદોને બાદ કરતાં ઘણાં ઘરોમાં મોટેરાંઓ જ પાન-ગુટખા, ધુમ્રપાન કે અન્ય વ્યસનનાં બંધાણી હોય છે. જો આવું જ હોય તો બાળક પાસે વ્યસનમુક્તિની અપેક્ષા શી રીતે રાખી શકાય? "અમને તો પે'લેથી જ વ્યસન છે" , "અમે તો વ્યસનમાં સપડાયા પણ તમે આવું ન કરતા...", આવા અનેકો ડહાપણનો ડોળ કરીને ખોખલી વડિલાઇ બંધ કરી ભાવિ પેઢીને મજબૂત અને તંદુરસ્ત બનાવીએ એ રાષ્ટ્રોધ્ધારનું જ કામ છે, ... ખોટું હોય તો માફ કરજો.
🙏જય માતાજી🙏
(ક્રમશઃ)
રાજેન્દ્રકુમાર એન.વાઘેલા
ભરૂચ.