Prem_222:
જય આપા ગીગા (સત્તાધાર નો ઈતિહાસ)
Part_07
Continues... Part_06
આપા દાનાએ કાળનો સામનો કરવા ચલાળામાં આશ્રમ શરૂ કરેલો.સુરઇ અને ગીગો તેમા સચવાયા.આપા દાનાએ ગીગાને પુત્રની જેમ પાળ્યો અને મા-દિકરાએ જીવન દાનબાપુના ચરણે અર્પણ કર્યુ.ચલાળા પાસેના સંરભડા ગામે ગીગાના વિવાહની વાત ચાલતી હતી.પણ અલખધણીના જેને ઓરતા હતા તે આપા ગીગાનું મન સંસારમાં ચોટ્યુ નહીં.સતાધારમાં સેવા સદાવ્રત ચાલુ કરી આપા ગીગાએ વિ.સં ૧૯૨૬(ઇ.સ ૧૮૬૯) જગ્યામાં જીવતા સમાધી લીધી.આપાગીગાએ સમાધી લીધી એને ૧૪૭ વર્ષ થયા પણ સતના આધારની સદાવ્રત સેવા આજ સુધી પણ અવિરત ચાલુ છે.ગીગાબાપુ ની હયાતી સમયે તથા તેમના સમાધિષ્ટ થયા પછી સજુમા અને રજુમા એ બે નારી શક્તિઓ એ જગ્યા ની સંભાળ રાખી હતી.તેમની પણ સમાધીઓ અહીં આવેલી છે.
આપા ગીગા પછી તેમના શિષ્ય કરમણ ભગત સતાધારની ગાદીએ આવ્યા.જેને આપાગીગાએ સ્વહસ્તે તીલક કર્યુ. કરમણ ભગત રડી પડ્યા અને બોલ્યા કે મારા દેહની સમાધી થશે અને ચાંદો સુરજ રેહશે ત્યાં સુધી હું મારા વારસ મહંતોમા દર ત્રીજી પેઢીએ હું પોતેજ હઇશ.તેમના પછી રામબાપુ, જાદવબાપુ, હરિબાપુ, હરજીવનબાપુ, લક્ષ્મણબાપુ અને શામજીબાપુએ સતાધારની ગાદી સંભાળી. લક્ષ્મણબાપુ ૩૨ વર્ષ અને શામજીબાપુ ૩૧ વર્ષ સુધી સતાધારની ગાદીએ રહ્યા. શામજીબાપુએ પોતાની હયાતીમાં જ જીવરાજ બાપુને તિલક કર્યુ હતું, હાલ માં વીજયબાપુ આપા ગીગાની સેવા કરે છે.મહંત જગદીશ બાપુ દેહવિલય પામ્યા છે.
સતાધારની જગ્યામાં આપાગીગા ઉપરાંત એક સિવાય તમામ મહંતોની સમાધી આવેલી છે.હનુમાનજીનું અને શંકરનું મંદિર પણ જગ્યામાં છે. સૌરાષ્ટ્રના ગધઇ સમાજ દ્રારા દર અષાઢી બીજે જગ્યામાં ધજા ચડાવવામાં આવે છે.આપા ગીગા પરિભ્રમણ દરમ્યાન જ્યાં જ્યાં રહેલા તે બગસરા,ચુડા,ડમરાણા,મોટામાંડવડા વગેરે ગામોમાં મુખ્ય સ્થાનક્ની પેટા જ્ગ્યા આવેલી છે.દરેલ સ્થળે અન્નક્ષેત્ર તથા ગૌસેવા ચાલે છે.
સતાધારનું વિશાળ રસોડુ અને જબ્બર અતિથી ગૃહ તેની વિશેષતા છે.એક સાથે ત્રણ હજાર લોકોની રસોઇ થઇ શકે તેટલી તમામ સગવડતા સ્થાનક્ના રસોડામાં છે. ત્રણેલ હજાર માણસો નિરાતે રહી શકે તેવા અતિથી ગૃહો છે.સ્વ શામજીબાપુના નામ પરથી અતિથીગૃહનું નામ 'શ્યામ ભવન' રાખવામાં આવ્યુ છે.સતાધારની જગ્યાને પ્રસીધ્ધી અપાવવામાં શામજીબાપુનો સિંહ ફાળો છે.પાંચ વર્ષની ઉમરે તેઓ સ્થાનક્માં આવ્યા હતા.લક્ષમણ બાપુએ તેમને ઉછેર્યા હતાં.૩૧ વર્ષ સુધી મહંત પદ સંભાળી ૧૯૮૩ માં ૭૮ વર્ષની ઉમરે તેમનુ અવસાન થયું.શામજીબાપુ અને સતાધાર એકબીજાના પર્યાય બની રહેલા. આપા ગીગાએ પ્રબોધેલ દાન અને સેવાને તેમને નવુ પરિણામ આપ્યું. અલ્હાબાદના કુંભમેળામાં ભારતભરના સાધુઓએ હાથી પર બેસાડી શામજીબાપુની શોભાયાત્રા કાઢી તેમનુ સન્માન કર્યુ હતું.
સ્થાનકની પાછળ આંબાઝર નદી વહે છે.તેના પર શામજીબાપુએ ઘાટ,બગીચો અને કુંડ બનાવરાવ્યા છે. રાજુલાના પત્થરમાંથી બનાવેલા આ ઘાટ હરીદ્વાર, અલ્હાબાદ અને બનારસની યાદ અપાવે છે.ગુરૂનાં નામ પરથી તેનુ નામ 'લક્ષ્મણ ઘાટ' રાખવામાં આવ્યુ છે.નદી ભરાયેલ હોય ત્યારે જાનહાની ન થાય તેવી સાવચેતી ધાટ બનાવતી વખતે રાખવામાં આવેલી છે. લીલોછમ અને ફુલોથી અરછાદીત બગીચો આંખોને શીતળતા આપે છે.
જગ્યામાં તમામ લોકો સ્વૈક્ષીક સેવા આપે છે.અનાજ સાફ્ કરવું, વાસીંદા કરવા,રસોઇ બનાવવી,ઢોર સાચવવા,પીરસવું,એમ દરેક તબ્બકે કોઇ પગારદાર માણસ નજરે નહી ચડે.સૌ કોઇ પોતાની શકતિ પ્રમાણે સેવા આપવા સતાધાર આવે છે. દરેક વ્યક્તિને તેનું મનગમતું કામ મળી રહે છે.સતાધારથી ક્નકાઇ જતા રસ્તામાં બાજરીયા નેસ આવે છે ત્યાં સ્થાનકનાં પશુધનને રાખવામાં આવેલ છે.લગભગ ૨૩૦૦ કરતાં પણ વધારે ઢોર સ્થાનક પાસે છે.ગિરને નાકે વિસાવદરથી સાત કિલોમીટર અંતરે આવેલ ઘેઘુર સતાધાર ખુબજ પ્રસિધ્ધ તીર્થસ્થળ છે.
આંબાઝરનો ઝીલણો,નવા સરીખા નીર,
ધજા ફરુકે ધરમની,પરગટ ગીગો પીર.
સોરઠ ધરા સોહામણી,ગાંડી ઘેઘુર ગિર,
સરવા સતાધારમાં,પરગટ ગીગેવ પીર.
જય આપા ગીગા જય સતાધાર.