સિદ્ધયોગમાં મંત્રજાપ અને ધ્યાનનું વિશેષ મહત્વ સ્વીકારવામાં આવ્યું છે. આ બંને દ્વારા કુંડલિની જાગરણ સિદ્ધ થાય છે. મંત્રજાપ કરતાં કરતાં ધ્યાનમાં સરી જવાય છે. જ્યારે ધ્યાન તૂટે ત્યારે ફરીથી મંત્રજાપ શરૂ કરી દેવા પડે છે.
સવારે ઊઠવાનો સમય અને રાત્રે ઊંઘવાનો સમય આ બે ક્ષણો મંત્રજાપ માટે સર્વશ્રેષ્ઠ છે, પણ આ બે ક્ષણ ઉપરાંત એક ત્રીજી ક્ષણ પણ મંત્રજાપ માટે ઉત્તમ છે. એ કણની ક્ષણ છે. કણ એટલે અન્નનો દાણો. જો સાધક ભોજન કરતી વખતે મંત્રજાપ ચાલુ રાખે, કોળિયે-કોળિયે બીજમંત્રનું રટણ કરે તો એ સાધક આજીવન ઉપવાસીનું ફળ પ્રાપ્ત કરે છે. ઉપરાંત દરેક કોળિયો જો 32 વાર ચાવવામાં આવે તો માત્ર 20 દિવસના અંતે સાધકનો ગુસ્સો શૂન્ય બની જાય છે. આ કોઇ ડોક્ટરે સૂચવેલો ઉપાય નથી. મેડિકલ સાયન્સ પાસે ક્રોધને કાબૂમાં લેવા માટેનો કોઇ ઉપાય છે જ નહીં. માટે જ સિદ્ધ પુરુષોએ સૂચવેલો આ અનુભવયુક્ત ઉપાય અજમાવવા જેવો છે.
--ઓમ નમઃ શિવાય--
ડો. શરદ ઠાકર