The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
*આજનો મોર્નિંગ મંત્ર* અધ્યાત્મના માર્ગ ઉપર આગળ વધવા માટે સાધકનો અહંકાર પૂર્ણપણે ઓગળી જાય તે પ્રથમ આવશ્યકતા છે. આજથી 26 વર્ષ પહેલાં મેં લેખનકાર્યની શરૂઆત કરી હતી ત્યારે ગુજરાતના એક દિગ્ગજ લેખકે મને સલાહ આપી હતી, ‘તારો અહં જાળવી રાખજે. એ જ તને સારો લેખક બનાવશે. કોઇ પણ કળાકાર (લેખક, કવિ, વક્તા, અભિનેતા, ગીતકાર, સંગીતકાર, ગાયક, ચિત્રકાર કે કોઇ પણ) જ્યારે કળાનું ક્ષેત્ર પસંદ કરે છે ત્યારે તેનું એક ધ્યેય નામના પ્રાપ્ત કરવાનું હોય છે. પ્રખ્યાત થવાની ઇચ્છા એ જ એના અહંનું સ્થાપન, અન્યો દ્વારા એની સ્વીકૃતિ.’ હું પણ દાયકાઓ સુધી આવા અહંને પાળતો રહ્યો, પંપાળતો રહ્યો. પછી સાધનાના પ્રથમ પગથિયે મને શ્રી પાંડુરંગદાદાએ કહેલી એક વાત યાદ આવી ગઇ. પૂજ્ય પાંડુરંગદાદાએ એક બોધકથા સંભળાવી હતી. પ્રાચીનકાળમાં એક નવનિર્મિત મંદિરમાં ભગવાનની મૂર્તિ પધરાવવાની હતી. શિલ્પકારને ત્યાંથી એ મૂર્તિ લઇ આવવા માટે કોઇ વાહન ઉપલબ્ધ ન હતું. એક ગધેડાને શણગારીને તેના પર પાલખી મૂકીને ભગવાનની મૂર્તિ તેમાં મૂકવામાં આવી. પ્રવાસ શરૂ થયો. માર્ગમાં આવતાં ગામડે ગામડે ગર્દભરાજનું સામૈયું કરવામાં આવ્યું. શ્રીફળો વધેરવામાં આવ્યાં. સ્વાદિષ્ટ ભોગ ધરાવવામાં આવ્યા. ગર્દભ અભિમાનથી છલકાઇ ઊઠ્યો. આખરે મૂર્તિ મંદિર સુધી પહોંચી ગઇ. પાલખી ઉતારી લેવામાં આવી. હવે ગર્દભરાજ સામાન્ય ગધેડો બની ગયા. લોકો સામૈયાને બદલે એને ડફણાં મારવા લાગ્યાં. ગધેડાએ એના માલિકને પૂછ્યું, ‘આવું કેમ થયું?' માલિકે જવાબ આપ્યો, 'જે માનપાન આપવામાં આવતું હતું તે તારા પર બિરાજમાન પરમાત્માને માટે હતું, તારા માટે નહીં.’ આવું જ આપણા દેહ અને આત્મા માટે કહી શકાય. મારું કે તમારું જે કંઇ સન્માન થાય છે તે આપણી ભીતર રહેલાં ચૈતન્યનું થાય છે, પરમ તત્ત્વનું થાય છે, આપણા દેહનું નહીં. મારા મિત્ર ડો. અનિલ રાવલ કહે છે, ‘જો અભિમાન ઓગાળવું હોય તો આપણાથી નીચા માનવીઓની સેવા કરો.' અહીં 'નીચા'નો અર્થ 'હલકા' એવો નથી કરવાનો પરંતુ વંચિતો એવો કરવાનો છે. આવી એક અંગત ઘટના ક્યારેક જાહેર કરવી છે. અત્યારે તો ઓમ નમઃ શિવાય. --*ઓમ નમઃ શિવાય*-- *ડો. શરદ ઠાકર*
*આજનો મોર્નિંગ મંત્ર* સદગુરુ શ્રી જગ્ગી વાસુદેવ કહે છે કે મધ્યરાત્રિ પછીનો 2.30થી 3.00 વાગ્યા સુધીનો સમય ન સમજી શકાય તેવો અકળ છે. આ દરમિયાન બ્રહ્માંડમાં કશુંક થાય છે. જે. કૃષ્ણમૂર્તિ, ઓશો અને એમની પહેલાં થઇ ગયેલા પ્રાચીન ઋષિઓ આ સમયને બ્રાહ્મ મૂહુર્ત કહી ગયા છે. ક્યારેક તમે ત્રણ વાગે જાગી જશો તો અચાનક પક્ષીઓના અવાજોથી વાતાવરણ ગુંજી ઊઠતું સંભળાશે. સકળ સૃષ્ટિ માટે આ જાગવાનો સમય છે. સાધના કરવાનો સમય છે. નામદાર આગાખાન કહે છે કે આ સમયે આસમાનમાંથી માલિક પૃથ્વી પર આશીર્વાદ વરસાવે છે. તે ઝીલવા માટે મનુષ્યે જાગી જવું જોઇએ. સિદ્ધપુરુષો કહે છે કે જે મનુષ્યની ઊંઘ કોઇ પણ કારણ વિના બ્રાહ્મ મૂહુર્તમાં ઊડી જાય તો તેણે સમજી લેવું જોઇએ કે તેનું જીવન આધ્યાત્મિક માર્ગ ઉપર જવા માટે પરિવર્તન પામી રહ્યું છે. મારી અંગત જિંદગીના છ છ દાયકાઓ સુધી સવારના નવ વાગ્યા સુધી પથારીમાં ઘોરતો રહેલો હું છેલ્લા ત્રણેક વર્ષથી અનાયાસ, એલાર્મ વગર અઢીથી ત્રણથી વચ્ચે જાગી જઉં છું. ધ્યાન સારું લાગે છે. પછી સાડા ત્રણ વાગે પાછો ઊંઘી જઉં છું. ક્યારેક નથી પણ ઊંઘતો. નરસિંહ મહેતા ગાઇ ગયા છેઃ રાત રહે જ્યાહરે પાછલી ખટઘડી; સાધુપુરુષે સૂઇ ન રહેવું. એક જૂનાગઢી ભક્તકવિએ આપેલી સલાહ મારા જેવો પામર જૂનાગઢી રહીરહીને અનુસરી રહ્યો છે. જો જાગત હૈ સો પાવત હૈ, જો સોવત હૈ વો ખોવત હૈ. --ઓમ નમઃ શિવાય-- તા. 26-6-2020 *ડો. શરદ ઠાકર*
*આજનો મોર્નિંગ મંત્ર* ઘણા જિજ્ઞાસુઓ પૂછે છેઃ ‘ધ્યાન કરતી વખતે અમારું મન ભટકતું રહે છે. એકાગ્રતા જળવાતી નથી તો શું કરવું?’ એક બોધકથા યાદ આવે છે. બાદશાહ અકબરને એક વાર તુક્કો સૂઝ્યો. એણે નોકરો દ્વારા ચાર બિલાડીઓને તાલીમ આપીને તૈયાર કરાવી. તે જમાનામાં વીજળીના ગોળાઓ હતા નહીં. રાત્રે બાદશાહ સલામત ભોજન કરવા માટે બેસે ત્યારે એમની ફરતે ચાર બિલાડીઓ ધ્યાનસ્થ બનીને ઊભી રહે. દરેકના માથા પર તેલ ભરેલું એક એક કોડિયું મૂકવામાં આવે. એના દીવાના પ્રકાશમાં બાદશાહ ભોજન કરે. એક દિવસ આ વાત એણે ગર્વપૂર્વક બિરબલને કહી. તે રાત્રે બિરબલ ત્યાં ગયો. બાદશાહ ભોજન કરતાં હતા ત્યારે તેણે એક ઉંદર છૂટો મૂકી દીધો. ઉંદરને જોતાંની સાથે જ ચારેય બિલાડીઓ એને પકડવા માટે લપકી પડી. કોડિયાં પડી ગયાં. તાલીમ ફોક સાબિત થઇ ગઇ. આવું જ આપણી સાથે થાય છે. આપણે ધ્યાનમાં એકાગ્ર બનવાની કોશિશ તો કરીએ છીએ પરંતુ બાહ્ય આકર્ષણો જોઇને આપણે લલચાઇ જઇએ છીએ. માટે જ ઋષિ-મુનિઓ કહી ગયા છે કે જો તમે ઇચ્છાઓને વશ થઇ જશો તો અધ્યાત્મના માર્ગે આગળ નહીં વધી શકો. ધ્યાન કરવા માટે અંતર્મુખી બનો. આકર્ષણો બધાં જ બાહ્ય હોય છે. મનને નિયંત્રણમાં રાખવા માટે શરૂઆતમાં ભારે સંઘર્ષ કરવો પડશે પણ એક એવો સમય આવશે જ્યારે મન અંતર્મુખ થવાને ટેવાઇ જશે. ત્યારે જ તમારી આત્મા તરફની ગતિ શરૂ થશે. --ઓમ નમઃ શિવાય-- તા. 25-6-2020 *ડો. શરદ ઠાકર*
મિત્રો! ઊર્જા યાને એનર્જીની ગતિ અમુક કક્ષાએ પહોંચે ત્યારે તે પ્રકાશ રૂપે ભાસે છે. પછી રજ, કણ, પરમાણુ, અણુ, દ્રવ્ય અને ધાતુ રૂપે પ્રગટ થાય છે. વિજ્ઞાન પણ હવે આ બધું સાબિત કરી ચૂક્યું છે. આપણાં ધર્મશાસ્ત્રો અને સિદ્ધપુરુષો કહે છે કે માનવીની ગતિ નિજ સ્વરૂપ તરફ થાય ત્યારે અંતે પ્રકાશનાં દર્શન થાય અને ત્યારે કેવળ પરમ તત્વ શુદ્ધ સ્વરૂપે રહે. સ્વામી મુક્તાનંદબાબા તેને નીલબિંદુ તરીકે ઓળખાવે છે. મારા અધ્યાત્મ પંથના સહપ્રવાસી ડો. અનિલ રાવલ કહે છે કે આ પ્રકાશ એ જ પરમ તત્વનું પ્રથમ પ્રગટ રૂપ છે. આપણે પૂજા, પ્રાર્થના કરતી વખતે દીવો પ્રગટાવીએ છીએ તેનું રહસ્ય આ છે. પરમ તત્વને મન છે. Energy has super conscious mind. એટલે એ પિંડ આપણી મદદ વગર બ્રહ્માંડને જન્માવે છે અને પાલન કરે છે. પરમ તત્વ તરફની યાત્રામાં સાધકનો અહમ પીગળતો જાય છે અને સહજતા, વિનય, એકાગ્રતા, સંવેદના, આનંદ, પ્રેમ, કરુણા, મેધા, પ્રજ્ઞા, ઋતુંભરા અને સત્ય વત્તે-ઓછે અંશે પ્રગટ થતા જાય છે. આપણી ભીતરનો અંધકાર દૂર થતો જાય છે અને પ્રકાશ તરફની યાત્રા આગળ વધતી જાય છે. માટે જ આપણે પ્રાર્થીએ છીએઃ તમસો મા જ્યોતિર્ગમય. --ઓમ નમઃ શિવાય-- *ડો. શરદ ઠાકર*
ભગવાન શિવનાં પાંચ કૃત્યો છેઃ- 1. જગતની ઉત્પત્તિ 2. સ્થિતિ( પાલનપોષણ) 3. લય (પોતાનામાં સમાવી દેવું) 4. તિરોધાન (છુપાઇ જવું- concealment) 5. અનુગ્રહ સર્જન, સ્થિત અને લય આ ત્રણ વિશે તો બધાં જાણે જ છે. આ ઉપરાંત પરમાત્મા સાધક ઉપર કરુણા કરવા માટે સદગુરુ સ્વરૂપે ધરતી પર પ્રગટ થાય છે. કાશ્મીર શૈવ મત પ્રમાણે ગુરુના રૂપમાં પરમેશ્વરની અનુગ્રહ શક્તિ રહીલી છે. સદગુરુ એ પરમાત્માની શક્તિ અને શિવનું અર્ધનારી નટેશ્વર રૂપ છે. ગુરુએ આપેલા મંત્રમાં સાધકમાં રહેલી સુષુપ્ત દિવ્ય કુંડલિની શક્તિને જાગૃત કરી શિવ-તત્વની અનુભૂતિ આપવાની ક્ષમતા છે. શ્રી ગુરુ એટલે સ્વયં વેશપલટો કરેલા પરમાત્મા. ગુરુએ આપેલા મંત્રનો નિરંતર જાપ કરવાથી બ્રહ્માંડનાં બધાં જ રહસ્યો સાધક સમક્ષ પ્રગટ થાય છે. કાશ્મીરી શૈવ મતના અધિકૃત જાણકાર પ્રોફેસર શ્રી રમણિકભાઇ કે. દવે માણસામાં બિરાજમાન છે. તેઓ કહે છે કે બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરતી શક્તિ સાધકમાં કુંડલિની રૂપે રહેલી છે. આ અંતર-શક્તિ જાગૃત થતાં સાધકના જીવનનું લક્ષ્ય તેને પ્રાપ્ત થઇ જાય છે. આ જ છે સિદ્ધયોગ. --ઓમ નમઃ શિવાય-- *ડો. શરદઠાકર*
કોરોના, વાવાઝોડું, અતિવૃષ્ટિ જંગલોમાં આગ અને ભૂકંપ- આ બધું શું થવા બેઠું છે? બધાને આ પ્રશ્ન સતાવી રહ્યો છે. આટલી પ્રાકૃતિક વિપદાઓ શું પરમાત્માના કોપની નિશાની છે? જવાબ છે- ના. પ્રકૃતિ એ જ પાર્વતી. પરમ તત્વ સાથે જોડાયેલી શક્તિ. મા ક્યારેય એના બાળક પર કોપાયમાના થાય જ નહીં, પરંતુ પ્રકૃતિનો પોતાનો નવીનીકરણ કરવાનો એક અનોખો અંદાજ છે. આપણે ભૂલી જઇશે છીએ કે પરમ તત્વ શિવસર્જન સ્થિતિ અને લયના કર્તા છે. જો સૃષ્ટિનો લય થાય જ નહીં તો નવું સર્જન શી રીતે થશે? માટે જ શિવજીનાં લલાટ પર સ્મશાનની ભસ્મ જોવા મળે છે. ગુરુનો માર, પિતાનો ક્રોધ, માતાનો ઠપકો અને સર્જનહારનું રૌદ્ર રૂપ આ ચારેય વસ્તુઓ માંગલ્યદાયી જ ગણાય. કોરોના વાસ્તવમાં કરુણા છે. પૃથ્વીનું અને જીવસૃષ્ટિનું શુદ્ધિકરણ કરવાનો પ્રયાસ છે. આ રીતે મા ચિતિશક્તિ પૃથ્વીને નવજીવન બક્ષે છે. માટે જે કંઇ બની રહ્યું છે તેને ઇશ્વરનો કોપ કે મનુષ્યજાતના ગુનાઓની સજા તરીકે જોવાને બદલે પરમ તત્વની લીલા માનીને હિંમતપૂર્વક તેનો સ્વીકાર કરીએ. આપણે શિવજી દ્વારા થયેલું નિર્માણ છીએ. જેના કંઠમાં વિષ હોય, ગળામાં નાગરાજ હોય અને ભાલ ઉપર આણ્વિક ભસ્મ હોય એનાં સંતાનોને મૃત્યુનો ભય કેવો? --ઓમ નમઃ શિવાય-- *ડો. શરદ ઠાકર*
સિદ્ધયોગમાં મંત્રજાપ અને ધ્યાનનું વિશેષ મહત્વ સ્વીકારવામાં આવ્યું છે. આ બંને દ્વારા કુંડલિની જાગરણ સિદ્ધ થાય છે. મંત્રજાપ કરતાં કરતાં ધ્યાનમાં સરી જવાય છે. જ્યારે ધ્યાન તૂટે ત્યારે ફરીથી મંત્રજાપ શરૂ કરી દેવા પડે છે. સવારે ઊઠવાનો સમય અને રાત્રે ઊંઘવાનો સમય આ બે ક્ષણો મંત્રજાપ માટે સર્વશ્રેષ્ઠ છે, પણ આ બે ક્ષણ ઉપરાંત એક ત્રીજી ક્ષણ પણ મંત્રજાપ માટે ઉત્તમ છે. એ કણની ક્ષણ છે. કણ એટલે અન્નનો દાણો. જો સાધક ભોજન કરતી વખતે મંત્રજાપ ચાલુ રાખે, કોળિયે-કોળિયે બીજમંત્રનું રટણ કરે તો એ સાધક આજીવન ઉપવાસીનું ફળ પ્રાપ્ત કરે છે. ઉપરાંત દરેક કોળિયો જો 32 વાર ચાવવામાં આવે તો માત્ર 20 દિવસના અંતે સાધકનો ગુસ્સો શૂન્ય બની જાય છે. આ કોઇ ડોક્ટરે સૂચવેલો ઉપાય નથી. મેડિકલ સાયન્સ પાસે ક્રોધને કાબૂમાં લેવા માટેનો કોઇ ઉપાય છે જ નહીં. માટે જ સિદ્ધ પુરુષોએ સૂચવેલો આ અનુભવયુક્ત ઉપાય અજમાવવા જેવો છે. --ઓમ નમઃ શિવાય-- ડો. શરદ ઠાકર
શ્રી સદગુરુ કહે છે કે જો મંત્રજાપ કરતાં કરતાં ઊંઘ આવી જાય તો એ નિદ્રા સમાધિ સમાન બની રહે છે. છેલ્લાં અઢી વર્ષથી હું મંત્રમય બનવાનો અભ્યાસ કરું છું. આજે સવારે જાગ્યો ત્યારે શ્રી સદગુરુની વાતનો સ્વાનુભવ થયો. શાંત, વિચારવિહીન, ગાઢ નિદ્રામાંથી જાગ્યો ત્યારે મંત્રજાપ સાથે જ સવાર પડી. મારા અધ્યાત્મિક પથપ્રદર્શક શ્રી તેજસભાઇ દવે (માણસા) કહે છે કે મંત્ર એટલે અનંતમાં ડોકિયું કરવાની બારી. સવારે મંત્રજાપ સાથે ઊઠવું અને રાત્રે મંત્રજાપ સાથે પથારીમાં પડવું આ બે સમયની વચ્ચે દિવસભરનો કાળખંડ વિસ્તરેલો રહે છે. આ કાળખંડ મોહ, માયા, મદ, મત્સર અને અનેક પ્રકારની દુન્યવી કામનાઓથી છલકાતો સમયનો ટુકડો હોય છે. પરમ તત્વને એટલી જ પ્રાર્થના છે કે આ સાંસારિક કામનાઓની વચ્ચે રહીને પણ એ મને અલિપ્ત રાખે. --ઓમ નમઃ શિવાય-- ડો. શરદ ઠાકર
આજે મંત્રમાં રહેલી શક્તિ વિશે વાત કરીશ. જેમ જેમ તમે મંત્ર જપતા જશો તેમ તેમ તેનાં સ્પંદનો પ્રાણ સાથે ભળતાં જશે. આ સ્પંદનો ક્રમશઃ વૈખરીમાંથી મધ્યમાની કક્ષાએ, ત્યાંથી પશ્યંતિની કક્ષાએ અને અંતમાં પરાવાણીની કક્ષામાં ઊતરે છે. આ પ્રત્યેક સ્તર પર એની અસર અલગ અલગ અનુભવાય છે. 1. વૈખરી સ્તરઃ- જ્યાં સુધી તમે સ્થૂળ કક્ષાએ મંત્ર જપતા રહેશો ત્યાં સુધી માત્ર સ્થૂળ શરીરની શુદ્ધિ થાય છે. આ કક્ષાને વૈખરી કહે છે. આ તબક્કે તમને મંત્રશક્તિનાં સ્પંદનનો અનુભવ જીભના ટેરવે અથવા મુખની અંદર સ્પંદિત થશે. 2. મધ્યમા સ્તરઃ-સ્થૂળ શરીરની શુદ્ધિ જ્યારે વધી જશે ત્યારે મંત્ર ઊંડો ને ઊંડો ઊતરીને કંઠપ્રદેશમાં ગુંજવા લાગશે. ત્યારે સમજવું કે મંત્ર હવે મધ્યમા વાણીની કક્ષાએ પહોંચ્યો છે. આ સ્તરે તમને દિવ્ય તંદ્રાવસ્થા, પરમ ચૈતન્યની સ્થિતિનો અનુભવ થશે. નિદ્રા આનંદમય બની જશે અને તમને ઘણાં પ્રકારનાં દૃશ્યો દેખાશે. આ કક્ષાએ એક મંત્રજાપનું સામર્થ્ય સ્થૂળ કક્ષાના મંત્રજાપ કરતાં સો ગણું વધારે હોય છે. 3. પશ્યંતિ વાણી સ્તરઃ- અહીં મંત્રજાપ હૃદયમાં થવા લાગે છે. હૃદય એ મનનું ઉગમસ્થાન છે. અહીં જન્મ-મરણરૂપી બંધનમાં નાખનાર ઊંડા સંસ્કારોનાં બીજનો સંગ્રહ રહેલો હોય છે. માટે તેને સુષુપ્તિ સ્થાન પણ કહે છે. મંત્ર જ્યારે આ કક્ષાએ પહોંચે છે ત્યારે અહીં જમા થયેલાં સુક્ષ્મ સંસ્કારોનાં બીજ બળી જાય છે અને તેની શુદ્ધિ થાય છે. સાધકને ઘેરી નશા જેવી સ્થિતિનો અનુભવ થાય છે. અંતરમાં આનંદની લહેરીઓ ઊઠે છે. 4. પરાવાણીનું સ્તરઃ- મંત્ર જ્યારે નાભિસ્થાનમાં ઊતરે છે ત્યારે આત્માને સ્પર્શે છે. આ પરાવાણીનું સ્તર છે. અહીં પહોંચ્યા પછી મંત્ર અને તમારો અંતરાત્મા શુદ્ધ ચેતનરૂપે એક સાથે સ્પંદિત થાય છે. આત્માનો પ્રકાશ સ્વયં પ્રગટ થાય છે. આ કક્ષાએ પહોંચ્યા બાદ મંત્ર પ્રયત્નપૂર્વક જપવો પડતો નથી. સાધક પ્રત્યેક ક્ષણે તેને ધબકતો અનુભવે છે. પરાવાણીની કક્ષાએ થતો જપ એ હકીહતમાં પૂર્ણ અહમ વિમશનું સ્પંદન બની રહે છે. એને જ કહેવાય છે શુદ્ધ ચૈતન્ય, શુદ્ધ આત્માનો અનુભવ. આ માત્ર થિયરી નથી. જો આને સમજીને આચરણમાં ઉતારશો તો તમે પણ વિશુદ્ધ આત્માની દિવ્યતાનો અનુભવ માણી શકશો. હું પોતે અઢી વર્ષની સાધના પછી ત્રીજા સ્તર સુધી પહોંચી શક્યો છું. --ઓમ નમઃ શિવાય-- ડો. શરદ ઠાકર
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser