શબ્દો જ મારે અને શબ્દો જ તારે. શબ્દો જ સંબંધો સાચવે અને બગાડે. દરેક કટુ શબ્દો મારતા નથી હોતા અને દરેક કટુ શબ્દો તારતા નથી હોતા. ક્યારેક કોઈને સાચો રસ્તો બતાવવા કે ખોટું કરતા અટકાવવા માટે કટુ શબ્દોનો ઉપયોગ કરવો પડે છે.
મીઠુ બોલીને ખોટું કામ કરવાવાળા પણ એટલાં જ હોય છે.
જે લોકો આપણાં મોં પર કટુ વેણ કહેતા હોય છે એ ક્યાં તો આપણાં શુભચિંતક હોય છે ક્યાં તો એ લોકો હોય છે જે આપણાં સુધી પહોંચી શકતા ન હોય અને આપણને નીચા દેખાડવા માંગતા હોય છે.
જે શબ્દો આપણને નીચા દેખાડવા માટે બોલવામાં આવ્યા હોય છે તે ઘણું બધુ શીખવી જાય છે માટે એ કટુ શબ્દોને દવા સમજીને પી લેવા. જ્યારે સુધારવા માટેના કટુ શબ્દો તો કોણે આપણને કહ્યા એના પરથી ખબર પડી જ જાય છે અને એ તો આપણે એમ પણ સકારાત્મક રીતે લેતા જ હોઇએ છીએ.
કટુ શબ્દો મંથરાનાં પણ છે અને શ્રી કૃષ્ણનાં પણ છે, પરંતુ એકનાં શબ્દો નાશ કરે છે અને બીજાના તારે છે.
શબ્દો વાપરવા પહેલા વિચારવું કે કટુ શબ્દો ક્યાં અને કોની સામે વાપરવા અને એનાથી કોઈને ફેર પડવાનો છે કે નહીં. જો ફેર પડતો હોય તો જ બોલવું નહીં તો ચુપચાપ કામ કરવું ખોટી શક્તિનો બગાડ ન કરવો.
#કટું