શીર્ષક:- મકાન બન્યું ઘર.
કિરણભાઈ હિંચકે ઝૂલતા ઝૂલતા વિચારે ચઢી ગયા.એમને પ્રિય ભજીયા અને ચા લઈને પત્ની રમાબેન આવ્યા તો પણ ચલિત ન થયા.રમાબેને ઢંઢોળ્યા, ક્યાં ખોવાઈ ગયા? ત્યારે ઝબકી ને સ્વસ્થ થયા. રમાબેન નો હાથ હાથમાં લઈને કહે કે, આજે મારે તારી આગળ દિલ ખોલીને વાત કરવી છે. પત્ની નાં આગ્રહથી ચા નાસ્તાને ન્યાય આપી બોલ્યાં, કે હું વિચારતો હતો તું ન હોત તો આ મકાન કદી ઘર ન બનતે.
બિલ્ડર તો મકાન બનાવે, રંગરોગાન કરે. સુંદર મોંઘામાં મોંઘુ ઈન્ટીરયર કરેલું હોય તો પણ એ મકાન નું ઘર બનવું અંદર રહેનારા પર આધાર રાખે છે.
આપણે આ મકાન નું નામ રાખ્યું" કુદરત".મારા માવતર સાથે મકાનમાં રહેવા આવ્યા અને તેં તારી કુનેહ, પ્રેમ થી મકાન ને ઘર બનાવી દીધું.
કેટલી કાળજી, પ્રેમ થી તેં મારા માવતરને સાચવ્યા.કદી તારી ફરિયાદ નહીં. હંમેશા હસતી જ હોય.તેમાં પણ કડક સ્વભાવની મારી મા છ મહિના પથારીવશ રહી તેની તેં જે સેવા કરી કે મારી મા નો હ્દયપલટો થયો.તારી સાથે પ્રેમથી રહેતી થઈ.આ મકાન તારી બંગડી નાં ખણકે,તારા પાયલ નાં રણકે મકાન બન્યું ઘર.તારા વદન પર રહેતું હાસ્ય અને આપણે ત્યાં આવતા મહેમાનોને સસ્મિત મળતો મીઠો આવકાર જ આ મકાનને ઘર બનાવી શક્યા.
બિલ્ડરે બનાવેલ મકાન ને ઘર તો એક સ્ત્રી જ બનાવી શકે.મકાનમાં રહેનારા વચ્ચે સુખ, શાંતિ, પ્રેમ હોય તો જ એ ઘર કહેવાય.બધાને લાગણી, પ્રેમ ને તાંતણે એક સ્ત્રી જ બાંધી શકે.
હું તો એટલું જ જાણું,
" બિલ્ડર બનાવે સિમેન્ટ, કોંક્રિટ નું મકાન, સ્ત્રી પ્રેમ સિંચી બનાવે મકાન ને ઘર."
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
તારીખ--૩૧-૫-૨૦૨૦.