કાન....કેટકેટલાંનો ભાર ખમે! દયા કરો ભૈ દયા કરો!
ચશ્માની દાંડી ભાર નાખે એને ખભે, સહે બિચારો
ને માસ્કે દોરી બાંધી કર્યો છે એને ત્યાં જ ઊતારો
એના ભાગનું એ સાંભળી લે છે, પોતપોતાનું કરો!
કાન...કેટકેટલાંનો ભાર ખમે! દયા કરો ભૈ દયા કરો!
એ એકલો જ કેટકેટલાંનાં કામ કરે? જરા વિચારો
આંખો જે ફ્રેમમાં મઢી એને કાનને જ દીધો ઘસારો
આંખ ઓછું-વધુ દેખે એમાં કાનનો કોઈ વાંક ખરો?
કાન....કેટકેટલાંનો ભાર ખમે! દયા કરો ભૈ દયા કરો!
આંખ આડા દીધા કાન ! અને મોં આડે દીધા માસ્ક,
રસ્તે બંધ થયું થૂંકવું,બોલ બોલ! ગમ્યોને આ ટાસ્ક?
માસ્કને કાને નૈં ચડાવવો પડે બેસો ઘરમાં આરામ કરો
કાન....કેટકેટલાંનો ભાર ખમે! દયા કરો ભૈ દયા કરો!
આત્મનિર્ભર છે કાન! ન દે એ તકલીફ કદીયે કોઈને
એ બંધ કાને પણ સાંભળે! નાટક ન કરે રોઈ ધોઈને
ઓલા ત્રણ વાંદરાવાળી વાતમાં કાન જ ડાહ્યો ખરો!
કાન.... કેટકેટલાંનો ભાર ખમે! દયા કરો ભૈ દયા કરો!
~Damyanti Ashani