#ન્યાય
જોઈ તાંડવ, ન હાય હાય કરો
નત થઈ ઓમ્ નમઃ શિવાય કરો
આપણી જે પીડા, એ સૌની પીડા
ખુદ સહી લો અને સહાય કરો
ચોતરફ માથે તડકો પામ્યા છો?
ભાગ્યશાળી છો! તળિયે છાંય કરો
ઓપ એવો બપોરને આપો
લ્યો, ક્ષિતિજ પર ગુલાબી ઝાંય કરો
પ્રશ્ન પૂછવાની સારી રીત કહું?
How સમજો, ન ફક્ત Why કરો
એક અભણને પૂછ્યો મેં ગીતાસાર
એ કહે, "ટ્રાય.. ટ્રાય.. ટ્રાય કરો"
ઈશ પૂછે છે, "દયા કરું કેવી?"
મેં કહ્યું, "થઈ શકે તો ન્યાય કરો"
આ શું આપો જીવનને શુષ્ક વિદાય?
સ્માઈલ આપીને બાય બાય કરો
✍🏻-રઈશ મનીઆર