મહાભારતની એક ઘટના યાદ આવી. ઘોડેસવારોની વિશાળ સેનાના આવવા-જવા માટે કુરુક્ષેત્રની રણભૂમિ તૈયાર કરવામાં આવતી હતી. ઝાડ ઉઘાડવા અને મેદાન ખાલી કરવા હાથીનો ઉપયોગ થઈ રહ્યો હતો. આવા જ એક ઝાડ પર એક ચકલી ચાર બચ્ચાં સાથે રહિત હતી. જેવું ઝાડ પાડવામાં આવ્યું, તેમનો માળો બચ્ચાં સાથે જમીન પર પડી ગયો. બાળકો અત્યારે ઊડી શકતા ન હતા, પરંતુ ચમત્કારિક રીતે બચી ગયા. ગભરાયેલી ચકલી મદદ શોધી રહી હતી અને તેણે કૃષ્ણને અર્જુન સાથે મેદાનનું નિરીક્ષણ કરતા જોયા. ચકલી કૃષ્ણના રથ પાસે પહોંચી.
ચકલીએ મદદનો પોકાર કર્યો, ‘હે કૃષ્ણ, મારા બચ્ચાંને બચાવી લો. યુદ્ધ શરૂ થશે તો તે કચડાઈ જશે.’ કૃષ્ણએ કહ્યું, ‘હું તારી વાત સમજું છું, પરંતુ સૃષ્ટિના નિયમમાં હસ્તક્ષેપ ન કરી શકું.’ ચકલી બોલી, ‘હે ઈશ્વર, હું માત્ર એટલું જ જાણું છું કે તમે રક્ષક છો. હું મારાં બચ્ચાં તમને સોંપું છું. હવે તમારા પર છે કે તમે તેમને મરવા દો છો કે બચાવો છો’. કૃષ્ણ બોલ્યા, ‘સમયનું પૈડું કોઈની સાથે ભેદભાવ કરતું નથી.’ ચકલી સંપૂર્ણ શ્રદ્ધા સાથે બોલી, ‘હું તમારું દર્શનશાસ્ત્ર જાણતી નથી, માત્ર એટલું જ જાણું છું કે તમે જ સમયનું પૈડું છો.’ ‘તારા માળામાં ત્રણ સપ્તાહનું ભોજન એક્ઠું કરી લે’- આટલું બોલીને કૃષ્ણ જતા રહ્યા.
આ સંવાદથી અજાણ અર્જુને ચકલીને એક બાજુ હડસેલી દીધી. બે દિવસ પછી, યુદ્ધના શંખનાદ પહેલા કૃષ્ણે અર્જુન પાસે ધનુષ-બાણ માગ્યા. અર્જુન ચોંકી ગયા, કેમ કે કૃષ્ણ એ તો યુદ્ધમાં હથિયાર ન ઉઠાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. અર્જુન પાસેથી ધનુષ્ય લઈને કૃષ્ણએ એક હાથી પર નિશાન સાધ્યું. બાણ હાથીને વાગવાના બદલે તેના ગળામાં બાંધેલી ઘંટડીને વાગ્યું અને ઘંટડી નીચે પડી ગઈ.
યુદ્ધ શરૂ થયું અને સમાપ્ત પણ થઈ ગયું. ફરી એક વખત કૃષ્ણ અર્જુન સાથે રક્તરંજિત મેદાનમાં ગયા. કૃષ્ણ એક સ્થળે રોકાયા અને અર્જુનને કહ્યું, ‘શું તું હાથીની આ ઘંટડીને ઉઠાવીને એક બાજુએ મૂકી દઈશ?’ અર્જુનને કંઈ સમજાયું નહી. જોકે, તેણે જેવી વાંકા વળીને ઘંટડી ઉઠાવી, તેની દુનિયા હંમેશાં માટે બદલાઈ ગઈ.
એક, બે, ત્રણ, ચાર અને પાંચ. ચાર નાના પંક્ષી એક-પછી એક ઊડ્યા અને પાછળ-પાછળ ચકલી પણ ગઈ. માતા ચકલી ખુશ થઈને કૃષ્ણની પરિક્રમા કરવા લાગી. અઢાર દિવસ પહેલા પડેલી એક ઘંટડીએ આખા પરિવારની સુરક્ષા કરી હતી. અર્જુન બોલ્યો, ‘હે કૃષ્ણ, મને માફ કરજો’.
ફંડા એ છે કે, યુદ્ધ જેવી સ્થિતિઓમાંથી બહાર આવવામાં ઘણી વખત આસ્થા આપણી મદદ કરતી હોય છે.