તું . .હું . . . . આપણે !
હું પર્વતમાંથી નીકળતું ઝરણું રહ્યો,
તું એજ ઝરણાં માંથી બનતી નદી.
એક સવાલ મને સતત પજવ્યાં કરે,
પ્રેમની નદી લાગણીનાં સમુદ્રમાં ભળશે કદી?
રસ્તે ચાલતા હોઈએ આપણે બંને,
પણ આપણી જગ્યાએ રસ્તો ચાલે.
કહેવાનું મારે અગણિત અમાપ તને,
વિચારું હું! ને ઉતાવળે હોઠ તારા હાલે.
પ્રભુને શરણે મારે જવું હોય,
આ વિચાર પણ મારો તું ઝૂંટવી લે.
તેનું ઐશ્વર્ય મારા પર અમીછાંટણા વરસાવે,
ફૂલ-સુગંધ ને પ્રાર્થના-પવિત્રતા તારા હોય.
પારિજાતના ગાલીચા જોઈ આંખો મારી મઘમઘે,
તેમ છતાંય સુગંધ તો મને તારી જ આવે.
દુનિયા આખીની પળોજણ લઈને બેઠો હોઉં,
વિચારપુષ્પના બગીચામાં ફૂલ તો તારા જ ઝગમગે.
નિંદ્રાના વટવૃક્ષની શરણે તો હું જાઉં,
અડપલાં નો દીવો લઈ શોધવા તું નીકળી પડે.
વડવાઈ જેવા તારા વિચારો ઉજાગરો કરે,
અને કબીરવડ ની શરણાગતિ હું સ્વીકારતો હોઉં.
મારાં વિચારો મારાં મટી તારાં થવા પામે,
એમાં પણ તું તારું ધારેલું જ કરાવે !
એકબીજાના વિચારોમાંથી નવરા પડી જ્યારે મળીયે,
ત્યારે મારો ' હું ' પણ અંચઈ કરીને ' તું ' બની જવા પામે.
મને તારા વગર નથી ચાલતું એ જગ આખું જાણે,
તારી ગેરહાજરી માં તારો ધબકાર સાદ પૂરાવે.
મને હેરાન કરવા ધરાર અબોલા લેવાની જીદે ચઢે,
મારી એકલતા અને તું મળી પત્તાં રમે, હદ થઇ જાણે!
ગામ જતાં જોઈ ભરબપોરે કોયલ-ગુલમહોરની બૂમ પડી,
તારી ફરિયાદની ભવાઈ નો મૂકપ્રેક્ષક હું બનું.
મારે બીજો રસ્તો જ ક્યાં રહ્યો! ચાલ હું પણ આવું,
બને તું ગામનું તળાવ અને હું એનું કમળ બનું.
સહિયારું આપણું સપનું કે વાદળોની ચાલ માં ઘર રાખીએ,
એમાં ખટમધુરા પ્રેમનું સંગીત સવાર - સાંજ વગાડીએ.
વાદળનાં કુંડાઓ પાણીથી સીંચવાનું કામ આપણું હોય,
મેઘધનુષ ની મદદ લઇ આકાશ માં રંગરોગાન કરીએ.
યાદ છે એક વાર તેં કહ્યું કે કૃષ્ણમય થઈએ તો કેવું!
મેં કહ્યું રાધાકૃષ્ણ તો એક જ છે અને સદાકાળ રહેશે.
'હું' અને 'તું' ની બાદબાકી કરી, 'આપણો' સરવાળો થઈએ,
તું કૃષ્ણની વાંસળી બને, અને હું મોરપીંછ બનું તો કેવું!
✍🏾.. પંકિલ દેસાઈ