આ હવા વસંતની
સુખદ શિશિર અંતની,
આ હવા વસંતની.
જીર્ણ શીર્ણ પર્ણ સર્વ, શિશિર ચૂંટતી ગઈ
ડાળ ડાળ નવ રસાળ કુંપળો ફૂટી રહી,
વિશાલ આ વસુંધરા, હસંત શી? લસંત શી?
આ હવા વસંતની.
નિત્ય નિત્ય રક્ત સ્રોત, શૈત્યથી થીજેલ તે,
અંગ અંગ ભરી ઉમંગ, ચેતના વહી રહે;
આ કૃપા સુવત્સલા, વિભુવરા અનંતની.
આ હવા વસંતની.
સૃષ્ટિની સમૃદ્ધિ સર્વ, ફુલ્લ પૂર્ણ પ્રકટતી,
પુલકિત શી પ્રકૃતિ આજ, મુદિત મૌન મલકતી.
આ પ્રસન્ન પરિમલો, પૃથ્વી પ્રાણવંતની.
આ હવા વસંતની.
--- મીનપિયાસી ( 1962)