Quotes by Kavi Shri Minpiyasi in Bitesapp read free

Kavi Shri Minpiyasi

Kavi Shri Minpiyasi

@meenpiyasi


Dhoomketu Presents

હું અલબેલો અલગારી.... મીનપિયાસી

કવિ શ્રી મીનપિયાસી ની કવિતાઓ અને ડાયરીના પાનાંઓ નો આસ્વાદ અને પઠન આ મહાનુભાવો દ્વારા

ડો.જે.જે. રાવલ
આશુ પટેલ
હર્ષદ ત્રિવેદી
હિતેન આનંદપરા
જ્વલંત છાયા
પ્રાર્થના જહા ભટ્ટ
મેહુલ દેવકલા
મનોજ જોશી
વિરલ રાચ્છ
અભિમન્યુ મોદી

સંકલ્પના:- પાર્થસારથી વૈદ્ય

Trailer edited by:- Milan Vaidya

Read More
epost thumb

સપ્તકલા ના જાણકાર શ્રી જગદીપ વિરાણી ના અવસાન બાદ મીનપિયાસી એ એમને શ્રદ્ધાજલી રૂપ આ કાવ્ય લખેલું. આપ ધ્યાન થી વાંચશો તો ખ્યાલ આવશે કે જગદીપ વિરાણી માં રહેલી સપ્તકલા નો ઉલ્લેખ આ કાવ્ય માં કરવામાં આવ્યો છે.
#meenpiyasipoetry

Read More

"ઝોંકો"

રમતો'તો બાળ એક બંગડી લઈ હાથમાં,
એમાં વાગી ગયો ઝોંકો.
'બંગડી વાગી, મને બંગડી વાગી' એમ
પાડી રહ્યો ખૂબ પોકો !
બોલી જવાયું ત્યારે મારાથી એટલું કે,
'એનો ન હોય ભાઈ, ધોખો !
બંગડી ના ઝોંકા તો વાગ્યા છે કૈકને,
(ને) વેદનાની બૂમ પછી પાડે છે લોકો!'

---મીનપિયાસી ( Dt.5/7/54)
#meenpiyasipoetry

Read More

"દિનરાત્રી"

પૂર્વના દિક્ પાલની પાટુ વડે
ફૂટબોલ ઊડ્યો આભમાં,
ને જઈ પડ્યો એ પશ્ચિમે.
ત્યાંથીય તે સામી લગાવી ગોલકીપરે લાત
- પણ બોલને ચૂકી ગયો -
ને જઈ પડ્યો એ ગોલમાં.
ને લાતથી તો માત્ર
ધૂલ ઊડી શી ઘસાઈ,
કે બધા યે રજકણો સળગી ઊઠી,
વેરાયલા આ આભમાં થઈ તારલા.

---મીનપિયાસી (1961)
#meenpiyasipoetry

Read More

પ્રખ્યાત કવિ શ્રી ઉદયન ઠક્કરએ મીનપિયાસીની રચના "બારીએ બેસું" નો આસ્વાદ 25 જાન્યુઆરી,19 ની જન્મભૂમિની પૂર્તિમાં કરાવેલ છે. વાંચજો ખૂબ મજા આવશે. મીનપિયાસીની આ રચનાનો પોતાની કોલમમાં સમાવેશ કરવા બદલ સમગ્ર મીનપિયાસી પરીવાર ઉદયન ઠક્કરનો ખૂબ આભારી છે.

Read More

"આંસુ"

કોણ લૂછે રે આંસુ !
ક્યાં જૂનું, ક્યાં નવું જીવન આ ? બદલ્યું બીજું પાસું.
કોણ લૂછે રે આંસુ ?
કોઈ મળે વતની ને બોલું હું ગળગળતા સાદે,
નૈનનમાંથી નીર છલકતાં સ્વજન- સગાંની યાદે,
જે દેખે તે પણ ના સમજે, કોઈ ન પૂછે: 'આ શું?'
કોણ લૂછે રે આંસુ ?
ઉરમાં ભંડારી એકલતા બહાર રહું છું હસતો,
ધૂળ મહીં ધરબાયો તોયે આકાશે નિત વસતો,
કોણ કહે કે : આજ અહીં, તો કાલ હજી ક્યાં જાશું ?
કોણ લૂછે રે આંસુ ?
હું જ હસું મુજને તો સાથે હસે ગામનાં લોક,
અંતર ઊંડે ઝૂરે ઝંખના, જાણે મરમી કો'ક,
કોણ કહે કે : ચાલ પિયાસી ! અમરત ઉરનાં પાશું.
કોણ લૂછે રે આંસુ ?

---મીનપિયાસી (Dt.- 21/4/59)
#meenpiyasipoetry

Read More

સવાર

પૃથ્વીને લપટાઇ વળી તી અંધારાની માટી કાળી,
ત્યાં તો સૂરજદેવે આવી, પીઠી ચોળીને નવરાવી,
સોનલ રંગે શી અજવાળી!
દેખી એને ખૂબ રૂપાળી નજરું ના લાગે મરમાળી.
એ કારણથી થોડી થોડી પડછાયે કીધી મશવાળી.

--મીનપિયાસી (Dt.-16/2/57)
#meenpiyasipoetry

Read More

ક્યમ ના ચૂમું ?
ક્યમ ના ચૂમું?... ક્યમ ના ચૂમું?
જો ના ચૂમું... તો તો પછી
લાવણ્ય ઝરતા આ પ્રિયે ! સૌંદર્યનું સાર્થક્ય શું ?
નારીત્વ ને પૌરુષની પ્રીતિ તણું માધુર્ય શું ?
હૈયા તણા માધુર્ય ને પ્રીતિ કહે છે સૌ પ્રિયે !
ને દેહના માધુર્ય ને સોંદર્ય કહેવાયું ખરે!
વસ્તુ ખરે તો એક છે, પ્રાકટ્યમાં બસ ભેદ છે.
ક્યમ ના ચૂમું હું તને ?
આ હોઠ ચૂમે હોઠને... સૌંદર્યની સંધિ મળે,
પણ અંતરે અંતર ચૂમે છે, સામસામી પ્રીતને
એ કેમ તું ભૂલે પ્રિયે !
આ પ્રેમનો રસ વ્યાપતો, અંગાંગમાં રૂપ આપતો;
એ પ્રેમ પણ સૌંદર્ય છે - આત્મા તણું, એ કાં ભૂલે?

--- મીનપિયાસી (Dt. 11/12/53)

Read More

આ હવા વસંતની
સુખદ શિશિર અંતની,
આ હવા વસંતની.
જીર્ણ શીર્ણ પર્ણ સર્વ, શિશિર ચૂંટતી ગઈ
ડાળ ડાળ નવ રસાળ કુંપળો ફૂટી રહી,
વિશાલ આ વસુંધરા, હસંત શી? લસંત શી?
આ હવા વસંતની.
નિત્ય નિત્ય રક્ત સ્રોત, શૈત્યથી થીજેલ તે,
અંગ અંગ ભરી ઉમંગ, ચેતના વહી રહે;
આ કૃપા સુવત્સલા, વિભુવરા અનંતની.
આ હવા વસંતની.
સૃષ્ટિની સમૃદ્ધિ સર્વ, ફુલ્લ પૂર્ણ પ્રકટતી,
પુલકિત શી પ્રકૃતિ આજ, મુદિત મૌન મલકતી.
આ પ્રસન્ન પરિમલો, પૃથ્વી પ્રાણવંતની.
આ હવા વસંતની.
--- મીનપિયાસી ( 1962)

Read More

નીંદરરાણીને!
આજ તો જરા આંખનાં મારા ઉંબરે આવી બેસ,
રોજની પેઠે દોડતી આવી કિકીઓમાં ના પેસ,
નીંદરરાણી રે !...
છેતરાવું નથી આજ હવે કૈઁ,
નૂપુરના તારા શાંત રવેથી,
ખોટા ખોટા તું તો રોજ દેખાડે, સપનાંઓ ના દેશ,
નીંદરરાણી રે !...
પોપચાં કેરા પડદા ઢાળી,
ઢાંકી દેતી તું તો કીકીઓ કાળી,
નથી દીઠા તેથી કોઈ દિ તારા, કામણગારા વેશ,
નીંદરરાણી રે !...
નથી કદી કરી વહાલથી વાતો,
ઘેનમાં તારા વીતતી રાતો,
આજ નહિં લોભાઉં રે તારી, લાલચમાં લવલેશ.
નીંદરરાણી રે !...

---મીનપિયાસી

#meenpiyasipoetry

Read More