પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળ
દૂર પડ્યો નિજ ધામથી હું, 'ને ઘોર ઘન અંધાર,
માર્ગ સુઝે નવ ઘોર રજનીમાં, નિજ શીશુને સંભાળ
મારો જીવન પંથ ઉજાળ...(૧)
ડગમગતો પગ રાખ તું સ્થિર મુજ; દૂર નજર છો ન જાય
દૂર માર્ગ જોવા લોભ લગીર ન, એક ડગલું બસ થાય,
મારે એક ડગલું બસ થાય...(૨)
આજ લગી રહ્યો ગર્વમાં હું, 'ને માગી મદદ લગાર,
આપ બળે માર્ગ જોઈને ચાલવા, હામ ધરી મૂઢ બાળ
હવે માંગું તુજ આધાર ...(૩)
ભભકભર્યા તેજથી હું લોભાયો, 'ને ભય છતાં ધર્યો ગર્વ
વિત્યાં વર્ષોને લોપ સ્મરણથી સ્ખલન થયાં સર્વે;
મારે આજ થકી નવું પર્વ...(૪)
તારા પ્રભાવે નિભાવ્યો મને પ્રભુ, આજ લગી પ્રેમ ભેર.
નિશ્ચે મને તેં સ્થિર પગલેથી, ચલવી પહોંચાડ્યો ઘેર.
દાખવી જ્યોતિની સેર ...(૫)
કર્દમ ભૂમિ કળણ ભરેલી, 'ને ગિરિવર કેરી કરાડ,
ધસમસતાં જળ કેરા પ્રવાહો, સર્વ વટાવી કૃપાળ,
મને પહોંચાડશે નિજ દ્વાર...(૬)
રજની જશે ને પ્રભાત ઉજવશે 'ને સ્મિત કરશે પ્રેમાળ,
બિવ્યગણોના વદન મનોહર મારે હૃદયે વસ્યાં ચિરકાળ ,
જે ખોયાં હતાં ક્ષણવાર ....(૭)
(બ્રીટીશ કવિ કાર્ડિનલ ન્યુમેનની પ્રાર્થના
અનુવાદઃ શ્રી નૃસિંહરાવ દિવેટિયા.)