તારી શીતળ છાંયડીમાં સૌને સુવરાવી ,
તું તપજે તારા સંતાપ એકલો ;
જળ તરવા સાગર ના સૌને સાથે લેજે,
બુડી જાજે આશા ભર્યો તું એકલો.
તારી ફોરમ માં ફોરમ સૌ કોઈની ભેળવજે,
તું થાજે બદબો નો ધણી એકલો;
ફુલફુલના ઘાવોમાં સાથીને આડા દેજે ,
તું સહેજે ઘણો ના ઘાવ એકલો.
કોઈ નિર્દોષી ફાંસી લટકેલ ને જીવાડી,
ચડી જાજે શુળી પર તું એકલો ;
તારી વસ્ત્રોની પાંખે સૌને ઢાંકી દેજે,
બસ રેજે ઉઘાડો તું એકલો .
ધન છોળ્યું રેલવજે સૌને વેચી દેજે,
લઈ લેજે ગરીબી ભાગ એકલો ;
તારે વૈકુંઠ ને કેડે જગને તેડાં કરજે
બસ જાજે દોજખમાં તું એકલો.
ખુશખુશ ના મેવાને સહુ આગળ ધરી દે જે,
ભરી લેજે ઉનો નિસાસો એકલો;
ચૌદ રત્નો મંથન ના વિષ્ણુ ને દઈ દેજે,
શિવ થાજે સાગર કિનારે એકલો.
ચિરજીવીઓને ધરણીના છેડા દઈ દેજે,
કરી લેજે કાચી મઢુલી એકલો;
રણ લડતા લથડતા ક્ષુદ્રોને રોવા દેજે,
તું હસજે હારીને હૈયે એકલો.
હુશીયારી ની ગાંસડીઓ સૌને બંધવજે,
છેતરાજે સમજ્યા છતાં તું એકલો;
કોઈ રક્તોના તરસ્યાની તૃષ્ણા ઓલવવા,
તું પાજે તારા રુધિર એકલો.
તારા હંસો ના ટોળામાં સૌને હેળવજે ,
પણ રેજે તું તારે કાગ એકલો ;
તારા સુંદર વાજિંત્રો મિત્રો ને દઈ દેજે,
લઈ લેજે તારો તંબૂર એકલો.
- કવિ દુલા ભાયા કાગ