અસંખ્ય છે આરઝૂ જીવનમાં અને જગતમાં હું એકલો છું,
બીજી નજરથી જુઓ તો સાથી કોઇ નથી ને હું કાફલો છું.
જીવનની મારી જે સ્થિર દશા છે એ મારી તદબીરની પ્રભા છે,
જરૂર તકદીરની નથી જ્યાં હું એ અચળ ધ્રુવતારલો છું.
મુસીબતોમાં કવન છે મારું, મુસીબતોમાં કલા છે મારી,
ઘટાનું ગર્જન સુણીને ગહેકે હું મસ્ત મનનો એ મોરલો છું.
પ્રણયનો આરંભ જેમ નિષ્ફળ પ્રણયનો અંજામ એમ નીરસ,
હતાં એ મોસમ વિનાની વર્ષા અને હું રણ પરનો મહેલો છું.
ઓ પ્રેમ, એને બધોયે હક છે ભૂંસી શકે છે નિશાન મારું,
લલાટના લેખ કંઇ નથી હું, લલાટનો હું તો ચાંદલો છું.
ભર્યાં છે બેફામ મોતી મનમાં, વીણાનો લાવું છું એ નયનમાં,
ઊડે છે જે માનસરને લઇને, સદાનો તરસ્યો એ હંસલો છું.