આજે એક ફોટો જોયો...એની નીચે લખેલું હતું, શતરંજની રમતમાં ચાલ કોઈ પણ ચાલો, તમે પોતાનાને નથી મારી શકતા!
કેટલો સુંદર નિયમ છે ને! આપણે અહીંયા જ માર ખાઈ જઈએ છીએ... દુનિયા સામે એક ટીમ બનીને લડતા લડતા ક્યારે આપસમાં જ લડવા લાગીએ એનું ધ્યાન જ નથી રહેતું અને જ્યારે એ વાત નોટીશ કરો ત્યારે સંબંધો એ હદે વણસી ગયા હોય કે સુધારવાની શક્યતા જ ના હોય. બે સગા ભાઈઓ, બહેનો, કાકા.. મામા આ બધા એક સાથે હોય તો એ પરિવાર કેટલો મજબૂત હોય, એને ક્યારેય કોઈ બહારના વ્યક્તિની જરૂર પડે ખરી?
પહેલાં માણસો જ હતા કામ કરવા માટે, ત્યારે બધાને એકબીજાની મદદની જરૂર રહેતી અને કુટુંબભાવના, કુટુંબપ્રેમ જળવાઈ રહેતો... હવે બધું કામ કરવા મશીન આવી ગયા... માણસને માણસની જરૂર જ ના રહી અને સંબંધ તૂટવા લાગ્યા...! ક્યાંક ક્યાંક તો માણસ જ મશીન બની ગયો છે! સમય પ્રમાણે ઉઠવું, બેસવું, આવવું, જવું...બધું જ ઘડિયાળને કાંટે, કોની સાથે કેટલી વાત કરવી એની પણ ગણતરી કરવી પડે..! હવે તો ઘરમાં પાછી એલેક્ષા આવી ગઈ છે, કેટલાક નાના નાના કામ કરવા ઘરમાં બૂમો સંભળાતી એ પણ હવે બંધ થઈ જવાની... બસ, હવે એક રોબોટ આવી જાય, કે માણસોનું કલોનિંગ કરી એને જેવો જોઈએ એવો જ બીજો માણસ બનાવવાની ફેકટરી ચાલું થઈ જાય...પછી આ સામાજિક રચના, મેરીડ લાઇફ બધું જ ખલાસ થઈ જવાનું..! ખતમ!
હજી આગળ વિચારું તો મશીનો માણસ ઉપર હાવી થઈ જવાના અને એ વખતે જો એમનામાં એકતા જાગી તો તો માણસોનું આવી જ બનવાનું. આખી માણસ જાત જ વિનાશના આરે આવી જવાની, ત્યારે જે બચ્યા કુચ્યા લોકો કંઇક વિચારી શકતા હશે એ લોકો એક ટીમ બનાવશે, બધા સાથે મળીને લડશે, મશીનો સામે... અંદરો અંદર નહિ! જેવું મેં શરૂઆતમાં જ કહ્યું... શતરંજનો નિયમ!
ટુંકમાં આટલી બધી કથા કર્યા બાદ પણ સુધરવું તો પડશે જ તો હાલ જ સુધરી જાઓ ને...આપસમાં લડાઈ બંધ કરો..ચેસના નિયમ સમજો ?
#નિયતી
#niyatiKapadia