આજે ‘વિશ્વ દીકરી દિવસ’ છે, ત્યારે તમને બધાને મારે એટલું જ કહેવાનું કે તમારાં ઘરે જો દીકરીએ જનમ લીધો છે તો તમે નસીબદાર છો!
અમારી વાત કરું તો અમારી બીબાઢાળ, કંઇક અંશે નિર્જીવ લાગે એવી જિંદગીમાં હાસ્યનો ફુવારો એટલે મારી દીકરી પારિજાત! એનો ગુસ્સો, એની કચકચ કરવાની ટેવ, એનું ખડખડાટ હસવું, એનું સાવ કારણ વગરનું રડી પડવું, મને મારી ભૂલો બતાવવી, મારી દરેક વસ્તુ પર અબાધિત અધિકાર જમાવવાનો એનો સ્વભાવ... આ બધું શુધ્ધ, સાત્વિક ભોજન ભરેલી થાળીમાં અચાનક એક વાડકી દહીંવડા મળી ગયા એવું મને લાગે..! હા.. દહીંવડા જ દહીંની સહેજ ખટાસ, સાકરની મીઠાસ, દાળની પોષ્ટિકતા અને તીખા લીલા મરચા-આદુનો ફ્લેવર... આ બધું ભેગું મળીને મન સાથે આત્માને પણ તરબતર કરી દે... બસ, કંઇક એવું જ સ્થાન છે મારી દીકરીનું મારા જીવનમાં.
હું એને અમસ્તું જ કહ્યાં કરું છું કે, “તું તારા ડેડી જેવી જ છો, બિલકુલ એમના ઉપર જ ગઈ છે!" હકીકતે તો એ મારું જ બાળ સ્વરૂપ ફરી અવતર્યું હોય એવી છે, ફરક એટલો કે હું મારી લાગણી ક્યારેય કોઈ સામે વ્યક્ત નથી કરી શકતી અને એ છુપાવી નથી શકતી! હજી કાલે જ એ મારી બાજુમાં, અરીસા આગળ આવીને ઊભી રહી ગયેલી, મને કહે, “જો હું તારા કરતાં ઊંચી થઈ ગઈ!" મારાં ચશ્માં એણે પહેરી લીધાં અને મારાં શૂઝમાં એનો પગ નાખીને કહે, “આ મને બરોબર આવી જાય છે, હવેથી આ મારા!" હું શું જવાબ આપું? ચશ્માં ઉઠાવીને આંખે ચડાવી લેવા આસાન છે પણ એ સ્વસ્થ આંખોનો, ચશ્માં પાછળ છુપાવા સુધીનો સંઘર્ષ કોણ પાર કરશે..! મારા જૂતમાં એનો પગ ભલે ફીટ થઈ ગયો પણ એ જૂતા પહેર્યા પછી ડગલે ને પગલે સાચવવી પડતી મર્યાદા એણે સમજવાની હજી બાકી છે! ઊંચાઈ ફક્ત શારીરિક નહિ માનસિક રીતે પણ વધવી જોઈએ એવું હું એને સમજાવી શકીશ?
ખેર ઉંમર ઉંમરનું કામ કરે છે, અનુભવો અને સંજોગ જ માનવીના ઘડતરનો પાયો છે અને એને જરૂર પડે ત્યાં માંગી, વણમાંગી સલાહ આપવા હું હાજર છું! એની માસૂમિયત બદલાઈને પરિપકવતા નામનું રૂપાળું મહોરું ધારણ કરી લે એ પહેલાં આ મસ્ત દિવસોને હું ભરપૂર જીવવા માંગુ છું! કાલે એની એક્ઝામ છે, એને એક માર્ક પણ ઓછો થાય એ ગમતું નથી અને હું આજે સાંજે એને ફિલ્મ જોવા લઈ જવાની છું... પહેલાં તો એ ખીજવાશે, તું કેવી મમ્મી છે? એ વિષય પર મને લેક્ચર આપશે, એના ડેડીને ફરિયાદ કરશે અને પછી હું થોડું દયામણું મોઢું કરીશ એટલે માની જશે, “આજ પછી કોઈ દિવસ કહેતી નહિ કે તું મારી સ્ટડીમાં મારી મદદ કરે છે!" એવું સંભળાવશે...
એને ખબર નથી એ જ્યારે મોટી થઈ જશે અને અમારી જેમ જ એના જીવનમાં અતિ વ્યસ્ત રહેતી હશે ત્યારે આ બધી વાતો યાદ કરીને એને કેવો અનેરો આનંદ આવશે..! એની સુંદર યાદોના પોટલામાં આજની કેટલીક ક્ષણો ઉમેરાઈ જશે..અને ત્યારે એ મને “Thank you" કહેશે.
ટુંકમાં મારા જીવનની ભગવાને આપેલી અતિ સુંદર અને અણમોલ ભેંટ એટલે મારી દીકરી..!
આપ સૌને નિયતીના જય શ્રીકૃષ્ણ ?