ગાંધીજી વિશે એક પ્રસંગ મને યાદ આવે છે.
એમ કહેવાય છે કે અંગ્રેજો ગાંધીજીને બહું વિચક્ષણ બૌદ્ધિક પ્રતિભા ધરાવતી વ્યક્તિ તરીકે ગણતા હતા. ભારતને જયારે સ્વતંત્રતા મળી ત્યારે ઇંગ્લેન્ડના પ્રાઈમ મિનિસ્ટર ક્લેમેન્ટ એટલી હતા. એમણે ગાંધીજી વિશે બહું સાંભળેલું. એમને મનમાં વિચાર આવ્યો કે ભારત જેવા દેશમાં એવી તે કઈ વ્યક્તિ છે જેણે એકલા હાથે ભારતને આઝાદી અપાવી. મારે એ વ્યક્તિને મળવું છે અને જોવું છે કે ખરેખર એ વ્યક્તિ આટલી વિચક્ષણ છે.
એમણે સત્તાવાર કહેણ મોકલાવ્યું અને ગાંધીજીને ઈંગ્લેન્ડ પધારવા આમંત્રણ આપ્યું. આમંત્રણ મળતા ગાંધીજી પોતાના એ જ રૂટિન પોષાક એવા એક કાપડની બનેલી એકલી પોતડી અને બાકી વધેલા કાપડને શરીર ફરતે વીંટાળીને ઈંગ્લેન્ડના વડા પ્રધાનને મળવા તેમના સત્તાવાર નિવાસસ્થાને પહોંચી ગયા. એ સમયે ઈંગ્લેન્ડના વડા પ્રધાન એટલે વિશ્વની બહુ મોટી પ્રતિભા અને મોભાદાર પદ ગણાતું. વળી એ સમયે અંગ્રેજો એટીકેટ, મેનર્સ અને પહેરવેશની બાબતમાં બહુ સોફિસ્ટિકેટેડ અને ઠસ્સાદાર ગણાતા. તેમની સામે કોઈ વ્યક્તિ અવ્યવસ્થિત, કઢંગા કે લઘરવઘર પોષાક પહેરીને આવે તો તેને પણ તેઓ પોતાનું અપમાન ગણતા. એટલે ગાંધીજી આમ પોતડી પહેરીને પોતાની સામે ઉપસ્થિત થયા એ વડા પ્રધાન ક્લેમેન્ટ એટલીને ન ગમ્યું, એમને લાગ્યું કે ગાંધીજીએ ઈંગ્લેન્ડના વડા પ્રધાનનું અપમાન કર્યું છે. વડા પ્રધાન એટલી મનમાં સમસમી ગયા. એમણે ગાંધીજી પર વળતો પ્રહાર કરતા મોઘમ જણાવ્યું: Mr. Gandhi, you don't have even a single pair of good clothes that you could wear before present yourself in front of British Prime Minister? If not, then I could offer you. I have thousands of such pairs. Please tell me, how many pairs you required?
ઈંગ્લેન્ડના વડા પ્રધાન એટલીનો આવો અપમાનજનક અને સૂચક પ્રશ્ન સાંભળીને ગાંધીજી સમસમી ગયા અને માત્ર આટલું જ બોલ્યા: Prime Minister Mr. Attlee, I want 36 crores of pairs, Do you have?
એમ કહેવાય છે કે ગાંધીજીનો જવાબ સાંભળીને ઈંગ્લેન્ડના વડા પ્રધાન એટલી ખુદ છોભીલા પડી ગયા હતા. ગાંધીજી સામે કંઈ બોલવા તેમની પાસે શબ્દો નહોતા. ઇંગ્લેન્ડના વડા પ્રધાન એટલીએ ત્યારે જ નિર્ધાર કર્યો હતો કે તેઓ ભવિષ્યમાં ક્યારેય ગાંધીજીની મજાક કે અપમાન નહિ કરે.
જે વ્યક્તિએ એવું પ્રણ લીધું હોય કે મારા દેશની 36 કરોડની વસતીને જો પહેરવા પૂરતા કપડાં ન હોય તો હું કેવી રીતે કોટ અને પાટલૂન પહેરી શકું, એ વ્યક્તિ કોઈ જેવી તેવી ન કહેવાય, આવી વ્યક્તિની મજાક કે તેનું અપમાન ક્યારેય ન કરી શકાય.
-અભ્યાસકાળ દરમિયાન અધ્યાપકશ્રીઓએ કહેલી વાતોના મારા સંસ્મરણોમાંથી...