ચા ઠંડી કરવાની નવી રીત:
મને ગરમા ગરમ ચાની ચુસ્કીઓ લેતા નથી ફાવતું, મોઢું દાઝી જાય છે હવે, બધી વાતે લોકોના વાદ ના લેવાય. ઉકળતી ચા થોડીક ઠંડી થાય પછી જ એને પીવામાં મને લિજ્જત આવે..!!
હા...તો આ ચા બનાવીને હું ટીપોય પર મૂકું અને પછી ઘડિયાળ સામે જોઈ રહું. એક મિનિટ થાય એટલે કપને હાથ અડકાડીને ચેક કરું.. હાથ દાઝી જાય એટલો કપ ગરમ જ હોય! હું ફરી ઘડિયાળ સામે જોઇને બેસી રહું... ઘડિયાળ જાણે બંધ થવાની હોય અને એની આખરી સાંસો ભરી રહી હોય એમ મારી બેટી સાવ ધીરીને ધીરી પડે જાય પછી હું કંટાળીને ચાનો કપ ઉઠાવીને પી જ નાખું. વાત પૂરી થાય...!
આ તો જૂની રીત હતી. હવે હું એવું નથી કરતી. નવી રીત પ્રમાણે ચાનો કપ ટીપોય પર મૂકીને તરત મોબાઈલ હાથમાં લેવાનો. નેટ બંધ હોય તો ઓન કરવાનું. સૌથી પહેલા વોટ્સેપ ખોલવાનું એમાં કામના હોય એવા મેસેજ કે કામના હોય એવા માણસોના જૂના થઈ ગયેલા હોય તોય જોકસ જોઈ લેવાના અને ???? રીપલાય કરી દેવાનું. પછી ફેસબુક ખોલવાનું. સૌથી પહેલા આપણી પોસ્ટ પર કેટલી લાઈક કૉમેન્ટ આવી એ જોઈ લેવાનું પછી યથાશક્તિ એને જવાબ આપી દેવાનો...! પછી જેની પોસ્ટ પર બે ઘડી ઊભા રહેવાનું મન થાય ત્યાં ઊભા રહી વાંચી કે જોઈ લેવાનું અને આગળ આગળ નવી નવી પોસ્ટ જોતાં રહેવાનું, ક્યાંક કોઈનો ઝઘડો ચાલતો હોય તો ત્યાં કૉમેન્ટમાં થોડી ડાહી ડાહી વાતો ટુંકમાં લખી નાખવાની, આપણી ઇમ્પ્રેસન સારી પડે...?. માંડ બે ચાર મિનિટ પસાર થઈ હોય એવું લાગે એટલે પછી કપને અડીને ચેક કરવાનું... તમારા સમ ફ્રીઝમાંથી કાઢી હોય ને એવી ઠંડી બરફ ચા થઈ ગઈ હોય!
એનો એક ઘૂંટડો પણ ગળા નીચે ઉતારો તો ઊબકો આવી જાય..!! હવે પેલી આળસુ ઘડિયાળ તરફ નજર નાખી લેવાની, એ એટલી તેજ ગતિએ ભાગવા લાગી હશે.... અડધો પોણો કલાક ક્યાં થઈ ગયો ખબર જ ના પડે! જોકે એમાં આપણો વાંક નથી જ. એ ઘડિયાળ જ નિયમિત રીતે નથી ચાલતી, જરાક આપણા મૂડ પ્રમાણે આગળ ભાગતી હોય તો એના બાપાનું શું જાય? હશે, તમારી પાસે હજી ઝાઝો સમય બચ્યો હોય તો ચાને ફરી ગરમ કરો અને એને ઠંડી કરવા ફરી મોબાઈલ હાથમાં લો....!!
મારી પોસ્ટને લાઈક કરવાનું ના ભૂલતા નહિ તો તમારી ચા ફાટી જશે...???
©Niyati Kapadia.